Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

શું 'સ્કૂલ ઓફ એકસલન્સ'ના નામે સરકારી શાળાઓ બંધ કરવા માંગે છે ગુજરાત સરકાર?

શિક્ષણ વિભાગની PPP મોડલ લાગુ કરવાની યોજના રદ્દ કરવાની કોંગ્રેસની માંગઃ 'સરકાર યોજનાઓના નામે શિક્ષણનું ખાનગીકરણ કરવાનું ષડયંત્ર રચી રહી છે' : સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવી સ્કૂલ ઓફ એકસલન્સ યોજના. : આ યોજનામાં સરકાર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલનો ઉપયોગ કરશે. : ગુજરાત કોંગ્રેસનો આરોપ છે કે આ યોજના ખાનગીકરણ માટે લાવવામાં આવી છે.

ગાંધીનગર, તા.૮ ગુજરાત કોંગ્રેસે રાજય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી સ્કૂલ ઓફ એકસલન્સ યોજનાને રદ્દ કરવાની માંગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે, રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનામાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલનો ઉપયોગ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમાં તે ખાનગીકરણ કરીને સરકારી શાળાઓને બંધ કરવાનું સરકારનું ષડયંત્ર છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને પબ્લિક અકાઉન્ટ્સ કમિટીના ચેરમેન પુંજા વંશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓના શિક્ષકોને ૪૦ બિન-શૈક્ષણિક કાર્યો સોંપ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થાય છે. જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક શાળાઓ, સ્પોર્ટ્સ શાળાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાયલો, એકલવ્ય મોડલ શાળાઓ દ્યણાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરે છે.

તેમણે આગળ લખ્યું કે, સરકારે સ્કૂલ ઓફ એકસલન્સ માટે શિક્ષકોની ભરતી માટેની જાહેરાત આપી છે. સરકારનો દાવો છે કે આ યોજનાની મદદથી સ્કૂલ ઓફ એકસલન્સમાં એક લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ પીપીપી શાળાઓને કારણે સરકારી તિજોરીને પણ નુકસાન વેઠવું જ પડશે, રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળના અનેક અધિકારો સાથે પણ સમજૂતી કરવી પડશે. વિદ્યાર્થીઓની કમીનું બહાનું કરીને ગુજરાત સરકાર લગભગ ૬૦૦૦ જેટલી સરકારી શાળાઓ બંધ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ પગલાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ મોટા પ્રમાણમાં પ્રભાવિત થશે. શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આરોપો પરથી ચોક્કસપણે કહી શકાય કે તેમણે પોલિસી વિષે અભ્યાસ નથી કર્યો. પીપીપી મોડલનો અર્થ ખાનગીકરણ નથી. સરકારી શાળાના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓની કક્ષાનું શિક્ષણ પૂરું પાડવાના હેતુસર આ યોજના લાગુ કરવામાં આવી છે. તેઓ સરકારી શાળાના વિદ્યાર્થીઓ જ કહેવાશે. ખાનગીકરણના આરોપો પાયાવિહોણા છે.

(3:04 pm IST)