Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

શિક્ષકો સામે ઝૂકી ગુજરાત સરકાર : પરીપત્ર રદ્દ

શાળામાં આઠ કલાક ફરજ નિભાવવાનો પરીપત્ર કેબીનેટમાં રદ્દ કરવામાં આવ્યો : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત

રાજકોટ તા. ૮ : શિક્ષકોની ફરજ મુદ્દે કરવામાં આવેલા પરીપત્ર સામે શિક્ષકોનો ભારે વિરોધ ઉઠયો હતો. આખરે આ પરીપત્ર રદ્દ કરવાની ગુજરાત સરકારે ફરજ પડી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ ૮ કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે.

શિક્ષકોને ૮ કલાકની ફરજ કરવી પડશે તે પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાતભરના શિક્ષકો દ્વારા મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ બાદ સરકારને પોતાનો પરિપત્ર રદ કરવાની ફરજ પડી છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિસંહ ચૂડાસમાએ કહ્યું કે, ૮ કલાકનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલા સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે. અગાઉના સમયગાળા દરમિયાન જ શિક્ષકો કામ કરશે. પ્રાથમિક શાળાઓમાં આરટીઇ હેઠળ જે સમય અંગેનો પરિપત્ર હતો તે રદ કરવામાં આવ્યો છે.

૬ કલાકની શિક્ષકોને ડ્યુટીને ૮ કલાક કરવાના સરકારના નિર્ણય સામે શિક્ષણ સંઘે ભારે વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફરી શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો હતો. સ્કૂલમાં શિક્ષકોએ ૮ કલાક ફરજ નિભાવવી પડશે, એ પરિપત્રનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આ મામલે આપવામાં આવેદનપત્ર આપ્યું હતું. પ્રાથમિક શાળાનો સમય ૮ કલાકને બદલે ૬ કલાક કરવા માટે રજૂઆત કરી હતી. તેમજ જો આગામી દિવસમાં માંગણી ના સ્વીકારાય તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત શિક્ષક હિતમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

(3:06 pm IST)