Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

નવસારીમાં રાજ્‍ય સરકાર દ્વારા નવરાત્રી પર્વમાં રાસ-ગરબાની મંજૂરી મળે તે પહેલા રાસ-ગરબાની રમઝટ બોલીઃ આયોજક સામે જાહેરનામા ભંગનો ગુન્‍હો

જો કે વાયરલ થયેલ વીડિયો જુનો હોવાની પણ ચર્ચા

નવસારી: રાજ્યમાં નવરાત્રિના આયોજનના અણસાર મળી રહ્યાં છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગૃહ વિભાગને નવરાત્રિના આયોજન અંગે પરિપત્ર બહાર પાડવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજી સુધી ત્રીજી લહેરના ડરને કારણે નવરાત્રિને મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતા વિવિધ ડાન્સ ગ્રૂપ એક્ટિવ થઈ ગયા છે. નવસારીમાં ગરબા સ્પર્ધાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ગરબા કરી રહ્યાં છે. જાણે કોરોનાનો કોઈ ડર ન હોય તેમ કોરોનાને આમંત્રણ આપતા ગરબા કર્યા હતા.

ગુજરાત સરકારે નવરાત્રિમાં ગરબાના આયોજન અંગે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. જો કે ડીજેના આયોજકો અને ગાયક કલાકારોને કાર્યક્રમો છૂટ આપવામાં આવે તેવી શક્યતા વચ્ચે ગરબા ના આયોજનને પણ શરતી મંજૂરી મળે તેવી હવે શક્યતા જોવામાં આવી છે. જો કે સરકારે મંજૂરી ન આપી હોવા છતાં નવસારીમાં ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે. નવસારીના ચીખલીના એક ગરબા સ્પર્ધાનો વીડિયો વાયરલ થયો છે. નટરાજ ડાન્સ સ્ટુડિયોના સંચાલક દ્વારા આ ગરબાનું આયોજન કરાયુ હતું. એક સમાજની વાડીમાં ગરબા યોજાયા હતા. પોલીસે આયોજક સામે જાહેરનામાના ભંગ સહિતનો ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ સરકારના નિર્ણય પહેલાં જ ડાન્સ ગ્રુપ એક્ટિવ થઈ ગયા છે. હાલ આ ગરબા હરીફાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા ગરબા ક્લાસ સંચાલકો સરેઆમ ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યાં છે. જો કે વાયરલ થઈ રહેલો આ વીડિયો જૂનો હોવાનું કહેવાય છે.

આ વર્ષે નવરાત્રિમાં DJ, બેન્ડ અને ગાયકોના કાર્યક્રમને મંજૂરી મળી શકે છે. આ માટે ગૃહ વિભાગને પરિપત્ર બહાર પાડવા સૂચના આપી દેવાઈ છે. કોરોના હળવો થતા રાજ્ય સરકાર સંગીત અને ડીજેને છુટાછાટ આપી શકે છે. મોડી સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

(4:41 pm IST)