Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

બાયડ તાલુકામાં મચ્છરજન્ય રોગચાળો વકરતા યુવકનું ડેન્ગ્યુથી મોત

બાયડ:તાલુકાના સુંદરપુરામાં ૧૮ વર્ષીય યુવકનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું. મૃતક યુવક વડોદરામાં સંબધીને ત્યાં રહીને અભ્યાસ કરતો હતો પરંતુ બે ત્રણ દિવસથી તાવ આવતા પોતાના ગામ સુંદરપુરા આવ્યો હતો બાયડની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા ડેન્ગ્યુ નો તાવ હોવાનું બહાર આવ્યું હતું. પ્લેટલેટ કાઉન્ટ ખુબજ ઘટી જતા ઘનિષ્ઠ સારવારની જરૃર હોય બાયડના તબીબે અમદાવાદ સારવાર અર્થે ખસેડયા હતા ૨૪ કલાક અમદાવાદની આદ્યુનિક હોસ્પિટલમાં અધ્યતન સારવાર આપવા છતાં યુવાનનું પ્રાણ પંખેરૃ ઉડી ગયું હતું.

બાયડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય તેમજ વાયરલ રોગચાળાએ માથું ઉચકયું છે અને દર્દીઓની હોસ્પિટલોમાં કતારો જોવા મળી રહી છે. અગાઉ માલપુરમાં ડેન્ગ્યુએ બાળકીનો ભોગ લીધો હતો અને ત્યાર બાદ આનંદપુરાકંપામાં મહિલાનું પણ ડેન્ગ્યુ થીમોત થયું હતું. ત્યારે આજે ફરીવાર સુંદરપુરામાં ડેન્ગ્યુથી યુવકનું મોત નિપજ્યું હોવાનો   કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુંદરપુરાના અને પોતાના સંબધીને ત્યાં વડોદરા અભ્યાસ કરતો ધ્યાન વિમલભાઈ પટેલ (ઉ.વ.૧૮) છેલ્લા બે ત્રણ દિવસથી પોતાના ગામે આવ્યો  હતો જયાં તેણે તાવની અસર જણાતાં બાયડની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી અને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું. દરમિયાન યુવકના પ્લેટલેટ કાઉન્ટ ખુબ જ ઘટી જતાં તાત્કાલીક યુવકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા  અને ૨૪ કલાકની સારવાર દરમિયાન જ યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતના બનાવને ેલઈ સુંદરપુરાથી લઈ પાટીદાર સમાજમાં ઘેરો શોક ફેલાયો હતો.

(6:28 pm IST)