Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ગાંધીનગરના ચ-0થી શાહપુર સર્કલ નજીક મોપેડને કારે હડફેટે લેતા માતા-પુત્રીનું ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર : ગાંધીનગર શહેરના ચ-૦થી શાહપુર સર્કલ વચ્ચે ગત શનિવારની રાત્રે મોપેડ ઉપર શાહીબાગ જઈ રહેલા પરિવારને કારે અડફેટે લીધું હતું. જેમાં મોપેડ પાછળ બેઠેલા માતા અને પુત્રીને ગંભીર ઈજાઓના કારણે સ્થળ ઉપર જ મોત નીપજયા હતા. જયારે મોપેડ ચાલક યુવાન પુત્રનો બચાવ થયો હતો. આ ગુનામાં ઈન્ફોસીટી પોલીસે ફરાર કારચાલકને ઝડપી લીધો છે જે ન્યુ ગાંધીનગરમાં રહેતો હોટલ સંચાલક હોવાનું પણ બહાર આવ્યું છે.

અમદાવાદ શાહીબાગના ૭૭ ગણપત સોસાયટીમાં રહેતો યુવાન રાહુલ મહેશભાઈ ત્રિવેદી તેમજ તેની માતા યોગીનીબેન અને બહેન જૈમીની તા.ર૮ ઓગસ્ટે મોડી સાંજે તેમના મોપેડ નં.જીજે-૦૧-વીઈ-૫૬૫૫ લઈને સે-પમાં રહેતા તેમના ફુવાના ઘરે આવ્યા હતા. જયાંથી સે-૬માં ફુવાના દીકરાના ઘરે ગયા હતા અને રાત્રે નવ વાગ્યે મોપેડ લઈ તેઓ શાહીબાગ જવા નીકળ્યા હતા. રાહુલ મોપેડ ચલાવી રહયો હતો અને યોગીનીબેન તેમજ જૈમીની પાછળ બેઠા હતા. ચ-૦થી શાહપુર સર્કલ વચ્ચે તેમનુ મોપેડ પસાર થઈ રહયું હતું તે દરમ્યાન પુરઝડપે જઈ રહેલી એક કારે તેમના મોપેડને ટક્કર મારી હતી. જેના કારણે યોગીનીબેન અને જૈમીની મોપેડ ઉપરથી નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓના કારણે તેમના સ્થળ ઉપર જ મોત નીપજયા હતા. જયારે અકસ્માતના પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને અકસ્માત કરનાર જીજે-૧૮-બીએલ-૮૮૪૦ નંબરની કારના ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો ત્યારે કુડાસણના પ્રતિક મોલની પાછળ સનરાઈજ બંગલોઝમાં રહેતા અને સ્વાગત રેઈન ફોરેસ્ટમાં હોટલ ચલાવતાં જીગ્નેશ જયંતિલાલ પટેલ કાર ચાલક હોવાનું બહાર આવતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે એટલું જ નહીં તેનું લાયસન્સ રદ કરવા માટે પણ ગાંધીનગર આરટીઓને પોલીસ રીપોર્ટ કરશે. હોટલેથી ઘરે જમવાનું લઈ જતાં સમયે આ અકસ્માત સર્જાયો હોવાનું પણ બહાર આવ્યું છે. 

(6:31 pm IST)