Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

આણંદ શહેર પોલીસે બાતમીના આધારે વડોદરાના એક શખ્સને ચોરીના 68 મોબાઇલ સાથે ઝડપી પાડયો

આણંદ:શહેર પોલીસે મળેલ બાતમીના આધારે આણંદ ખાતેથી વડોદરાના એક શખ્શને ચોરીના કુલ ૬૮ મોબાઈલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે મોબાઈલ કબ્જે લઈ ઝડપાયેલ શખ્શ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આણંદ શહેર પોલીસની ટીમ ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન વડોદરાનો એક શખ્શ ચોરીના મોબાઈલ સાથે આણંદમાં ફરી રહ્યો હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. જેના આધારે આણંદ શહેર પોલીસે લોટીયા ભાગોળ ખાતે ગુપ્ત વોચ ગોઠવી હતી. 

દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબનો શખ્શ આવી ચઢતાં પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે તેના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે નયનભાઈ મહેન્દ્રભાઈ વ્યાસ (રહે.વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસે રાખેલ બેગની તલાશી લેતાં અંદરથી ૬૮ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે અંગે પુછતાં તે ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ મોબાઈલ ચોરીના હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ૬૮ મોબાઈલ સાથે નયનભાઈ વ્યાસની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:32 pm IST)