Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

પેટલાદ તાલુકાના જોગણ ગામ નજીક સાયકલને બાઇકે હડફેટે લેતા દંપતીનું કમકમાટીભર્યું મોત

આણંદ:જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણ ગામ નજીક ગતરોજ બપોરના સુમારે એક મોટરસાયકલે માર્ગ પરથી પસાર થઈ રહેલ સાયકલને ટક્કર મારતા સાયકલ સવાર દંપત્તિ પૈકી પતિનું કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે પત્ની ઈજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે મોટરસાયકલના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના જોગણ ગામની ઈન્દિરા નગરીમાં રહેતા વિજયભાઈ હિંમતભાઈ ઠાકોરના પિતાજી હિંમતભાઈ તથા માતા મણીબેન ગઈકાલ બપોરના સુમારે એક સાયકલ ઉપર સવાર થઈ જોગણ ગામે આવેલ બેકરી સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. 

દરમ્યાન પુરપાટ ઝડપે આવી ચઢેલ એક બુલેટ મોટરસાયકલે સાયકલને જોરદાર ટક્કર મારતા સાયકલ પર સવાર દંપત્તિ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. પતિ-પત્ની બંનેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તુરંત જ ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોઈ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવાતા હિંમતભાઈ ઠાકોરનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ મોટરસાયકલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:32 pm IST)