Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

આણંદ: બોરસદના નાપા તળપદ નજીક પોલીસે ઓચિંતાનો છાપો મારી એક શખ્સને રંગે હાથે ઝડપી પાડયો

આણંદ : આણંદ એસઓજી પોલીસની ટીમે મળેલ બાતમીના આધારે નાપા તળપદ ગામે ઓચિંતો છાપો મારી માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્શને ઝડપી પાડયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ૧.૬૬૦ કિલોગ્રામ માદક પદાર્થ તેમજ મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રીક વજન કાંટો મળી કુલ્લે રૂા.૧૯ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્શ વિરૂધ્ધ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ એસઓજી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન નાપા તળપદ ગામે સોલંકી ફળીયામાં રહેતા ભગવાનભાઈ શનાભાઈ સોલંકી પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર કરતા હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે નાપા તળપદ ગામે સોલંકી ફળીયામાં ઓચિંતો છાપો મારતા ભગવાનભાઈ શનાભાઈ સોલંકી પોતાના ઘરેથી મળી આવ્યા હતા. પોલીસે તેઓને સાથે રાખી ઘરની તલાશી લેતાં ઘરમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. જે અંગે તુરંત જ એફએસએલને જાણ કરતા એફએસએલની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને નાર્કોટીક કીટની મદદથી તપાસ કરતા ઘરમાંથી મળી આવેલ પદાર્થ ગાંજો હોવાનું ખુલવા પામ્યું હતું. જેનું વજન કરતા ૧.૬૬૦ કિગ્રા જેટલું થયું હતુ. જેની અંદાજિત કિંમત રૂા.૧૬,૬૦૦ જેટલી થવા જાય છે. પોલીસે ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન તથા ઈલેક્ટ્રીક વજન કાંટો મળી કુલ્લે રૂા.૧૯,૧૦૦નો મુદ્દમાલ જપ્ત કરી માદક પદાર્થ સાથે ઝડપાયેલ ભગવાનભાઈ સોલંકીને બોરસદ ગ્રામ્ય પોલીસના હવાલે કરતા પોલીસે તેની વિરૂધ્ધ નાર્કોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:33 pm IST)