Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

વડોદરાના વાડી વિસ્તારમાં ઊંચા વળતરની લાલચ આપી 150 ગ્રાહકો પાસેથી 33.50 લાખ પડાવી લઇ ઓફિસ બંધ કરી દેનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા : સી.વી.કે.પરિવાર નિધિ લિ.નામની કંપની ખોલી રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી ફિક્સ ડિપોઝિટ અને ડેઇલી બચત યોજનાના નામે ૧૫૦ ગ્રાહકો પાસેથી ૩૩.૫૦ લાખ પડાવી લઇ ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી.આ અંગે વડોદરા ઓફિસની મહિલા સેન્ટ્રલ મેનેજરે ચાર ડાયરેક્ટર સામે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

વાડી  રંગમહાલ વિસ્તારમાં મિસ્ત્રી કોલોનીમાં રહેતા અક્ષતા અક્ષયભાઇ ભાનગાંવકરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,સી.વી.કે.પરિવાર નિધિ લિ.કંપનીની નોકરીની જાહેરાત જોઇને માંજલપુર ઇવા મોલ પાસે,શાલિન કોમ્પલેક્સના  પ્રથમ માળે આવેલી બ્રાંચમાં ઇન્ટરવ્યુ આપવા ગઇ હતી.ત્યાં મને કંપનીના ડાયરેક્ટર વિજયસિંહ ગજેસિંહ સોલંકી મળ્યા હતા.તેમણે મને જણાવ્યું હતું કે,તમે કંપનીમાં  જેટલુ રોકાણ કરાવશો તેટલું કમિશન મળશે.અમારી કંપનીમાં દૈનિક બચત અને ફિક્સ ડિપોઝિટ યોજના છે.ડેઇલી કલેક્શનના  રૃપિયા છ  મહિના સુધી જે ગ્રાહક જમા કરાવે તેને છ ટકા વ્યાજ સહિત રૃપિયા આપીશું.અને ફિક્સ ડિપોઝિટમાં એક થી ત્રણ વર્ષ માટે પાંચ ટકાથી ૧૨.૩૫ ટકા વ્યાજની યોજના છે.અમારી મુખ્ય ઓફિસ ગાંધીનગરમાં  ઇન્ફોસિટિમાં છે.જેમાં હું તથા છત્રસિંહ ગજેસિંહ સોલંકી ડાયરેક્ટર છે. મને તેમની વાત પર ભરોસો આવ્યો હતો.તેમણે મને તા.૨૨-૦૮-૨૦૧૯ થી ગાંધીનગર ગૃહ પાસે આવેલી ઓફિસમાં સેન્ટ્રલ મેનેજર તરીકે નોકરી પર રાખી હતી.ત્યારબાદ  ચાર વ્યક્તિઓને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી  પર રાખ્યા હતા.તેઓ ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ તેમજ ડેઇલી બચત યોજનાની યોજનાઓની માહિતી આપતા હતા.ગ્રાહકોના ફોર્મ ભરીને સી.વી.કે.પરિવાર નિધિ લિ.કંપનીમાં એકાઉન્ટ ખોલી પાકબૂક આપતા હતા.ગ્રાહકોના  રૃપિયા બેન્ક ઓફ ઇન્ડિયાની  રાવપુરા બ્રાંચમાં જમા કરાવતા હતા.ગ્રાહકોના અસલ ફોર્મ દર મહિને ગાંધીનગરની મુખ્ય ઓફિસમાં મોકલાવતા હતા.મારા સગા તથા આજુબાજુના લોકોેએ આ કંપનીમાં રોકાણ કર્યુ હતુ.જેમાં ૧૨ ગ્રાહકોએ ફિક્સ ડિપોઝિટમાં ૨૮.૫૫ લાખ તથા ૧૩૮ ગ્રાહકોએ ડેઇલી બચત યોજનામાં પાંચ લાખ રૃપિયાનું રોકાણ  કર્યુ હતું.

(6:39 pm IST)