Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ઉપરવાસમાં વરસાદ થતાં નર્મદા ડેમ ૫૦ ટકા ભરાયો

ડેમની સપાટીમાં ૨૪ કલાકમાં એક મીટરનો વધારો : ઉપરવાસમાંથી ૭૪૮૪૬ ક્યુસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૮.૪૧ મીટર થઈ ગઇ છે

કેવડિયા,તા.૮ : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાતા ડેમ ૫૦ ટકા ભરાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૮.૪૧ મીટર થઇ છે. મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાંથી ૭૪,૮૪૬ ક્યૂસેક પાણીની આવક થઇ છે. જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં ૨૪ કલાકમાં ૧ મીટરનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં હજી આ વર્ષે સારો વરસાદ પડ્યો નથી. ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેના કારણે ૨૪ કલાકમાં ૧ મીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી ૭૪૮૪૬ ક્યુસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૮.૪૧ મીટર થઈ ગઇ છે. નર્મદા ડેમમાં હાલ ૪૬૯૦ એસસીએમ લાઈવ સ્ટોરેજ છે. નોંધનીય છે કે, સરદાર સરોવર ડેમ ગત વર્ષે ૨૮ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ૧૩૮.૬૮ મીટરને પાર થયો હતો.

         જેના કારણે ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે સરદાર સરોવરની સપાટી આટલી ઉપર હજી નથી ગઇ. હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૮.૪૧ મીટર થઈ છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી ત્રણ દિવસ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી ૮ અને ૯ સપ્ટેમ્બરે એટલે આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જો સારો વરસાદ થશે તો જ ખેડૂતોને ખેતી માટે અને સામાન્ય જનતાને પાણી શાંતિથી આપવામાં આવશે.

(9:06 pm IST)