Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમદાવાદમાં સરકારી તળાવની જમીનને બારોબાર વેચવાનો કારસો : પોલીસે આરોપીની ધરપકડ કરી

આરોપી ચિરાગ ભરવાડ અગાઉ પણ અમદાવાદ કોર્પોરેશનની જમીન પોતાની બતાવી વેચવાના ગુનામાં પકડાઈ ચુક્યો છે

અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની એક અનોખી ફરિયાદ નોંધાઇ છે. જેમાં સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી પ્લોટને બારોબાર વેચવાના ઈરાદે કરવામાં આવેલ કરાર અંગે આ ફરિયાદ નોંધાઇ છે. જો કે વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી પ્લોટને બારોબાર વેચનાર આરોપીનું નામ છે મુકેશ ભરવાડ અને તેનો સાગરીત ચિરાગ ભરવાડ. આ બંને ભેગા મળીને સરકારી તળાવને પોતાનો પ્લોટ બનાવીને બારોબાર વેચી દેવાના હતા.જો કે આ અંગેની વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.તેમજ વાસણા પોલીસે ગુનો નોંધી મુકેશ જક્ષી ભરવાડની ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સરખેજ વિસ્તારમાં આવેલા સૈજપુર ગોપાલપુરા વિસ્તારમાં આવેલા સરકારી તળાવની જમીનને મુકેશ અને ચિરાગ ભરવાડ પોતાની બનાવી ચૂકેલા. એટલું જ નહીં તે જમીનના ખોટા કરાર બનાવીને ખાનગી પ્લોટ પોતાનો હોવાનું પણ લોકોને કહેતા હતા.જેને પગલે ફરિયાદીએ આ પ્લોટ ખરીદવાનો હોવાથી એડવાન્સ પેટે 15 લાખ રૂપિયા આપ્યા હતા અને આ રૂપિયાની લેતી દેતી વિશાલા હોટલ પાસે થઈ હોવાથી ફરિયાદીને છેતરપિંડી થયાનો અહેસાસ થયો અને આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી ચિરાગ ભરવાડ અગાઉ પણ અમદાવાદ કોર્પોરેશનની જમીન પોતાની બતાવી વેચવાના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને જેલ પણ ભોગવી છે. જો કે હાલ તો વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપી મુકેશ ભરવાડની ધરપકડ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ કેસમાં સંડોવાયેલ ચિરાગ નાકું ભરવાડ ક્યારે પકડાય છે અને અન્ય શું નવા ખુલાસા થાય છે.

(11:28 pm IST)