Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

બોર્ડ દ્વારા ધો.9થી 12નું એકેડેમિક કેલેન્ડર જાહેર : અભ્યાસના 248 દિવસ નક્કી: 80 રજાઓ રહેશે

બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 14 માર્ચ, 2022થી લેવાશે દિવાળી વેકેશનની 21 દિવસની રજા અને ઉનાળુ વેકેશનની 35 દિવસની રજા

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12નું એકેડેમિક કેલેન્ડર આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસના દિવસોથી માંડીને રજા અને પરીક્ષા અંગેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ વર્ષે અભ્યાસના 248 દિવસ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે 80 રજાઓ જાહેર કરાઈ છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 14 માર્ચ, 2022થી લેવામાં આવશે. આ વખતે બોર્ડ દ્વારા તમામ પરીક્ષાઓ ઓફલાઈન લેવાની જાહેરાત કરી છે. જોકે, કોવિડની સ્થિતિને લઈ સરકાર દ્વારા નિર્ણયમાં ફેરફાર કરાય તો તે મુજબ પરીક્ષા લેવાશે. ઉપરાંત ગત વર્ષની જેમ આ વખતે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે નહીં તેવી પણ સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલાં ચાલુ શૈક્ષણિક વર્ષ માટેના એકેડેમિક કેલેન્ડરમાં જણાવ્યું છે કે, ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષા 18 ઓક્ટોબર, 2021થી 27 ઓક્ટોબર, 2021 દરમિયાન લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પ્રિલીમ પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી પ્રખરતા શોધની કસોટી 7 ફેબ્રુઆરી દરમિયાન લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ-10 અને 12ની બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા તથા પ્રાયોગિક પરીક્ષા 9 ફેબ્રુઆરી, 2022થી 11 ફેબ્રુઆરી, 2022 દરમિયાન લેવાશે. ધોરણ-12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 14 ફેબ્રુઆરી, 2022થી 23 ફેબ્રુઆરી, 2022 દરમિયાન લેવાશે. જ્યારે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચ, 2022થી 30 માર્ચ, 2022 દરમિયાન લેવાશે. ધોરણ-9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલ, 2022થી 21 એપ્રિલ, 2022 દરમિયાન લેવામાં આવશે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર હાલમાં પરીક્ષા અંગેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં તમામ પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિના કારણે સરકાર દ્વારા આ અંગે જો કોઈ નિર્ણય કરવામાં આવે તો તે મુજબ ઓફલાઈન અથવા ઓનલાઈન લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા પણ બોર્ડ દ્વારા કરાઈ છે. ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ-10 અને 12ની પ્રિલીમ પરીક્ષા માટે સંપુર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ-9 અને 11ની દ્વીતીય પરીક્ષા માટે જૂનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 30 ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી 70 ટકા અભ્યાસક્રમ રહેશે.

ધોરણ-9થી 12ની પ્રથમ અને પ્રિલીમ તથા દ્વીતીય પરીક્ષાઓ તેમજ ધોરણ-9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા પુરા પાડવામાં આવશે. ધોરણ-9 અ 10માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તેમજ ધોરણ-11 અને 12માં ગણીત, કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજી, અંગ્રેજી, નામાના મુળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના પેપર બોર્ડ આપશે. જ્યારે બાકીના વિષયોના પ્રશ્નપત્રો શાળાકક્ષાએથી તૈયાર કરવાના રહેશે.

ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 118 દિવસ રહેશે. જ્યારે દ્વીતીય સત્રના 130 દિવસ રહેશે. પ્રથમ સત્ર 7 જૂન, 2021થી લઈને 31 ઓક્ટોબર, 2021 સુધી 118 દિવસનું રહેશે. ત્યારબાદ 1 નવેમ્બર, 2021થી 21 નવેમ્બર, 2021 દરમિયાન 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બર, 2021થી થશે અને 1 મે, 2021 સુધી 130 દિવસનું રહેશે. ત્યાર બાદ 2 મે, 2022થી 5 જૂન, 2022 સુધી 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. ત્યારબાદ 6 જૂન, 2022થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે. વર્ષ દરમિયાન બોર્ડ દ્વારા કુલ 80 રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી વેકેશનની 21 દિવસની રજા, ઉનાળુ વેકેશનની 35 દિવસની રજા, 16 જાહેર રજા અને 8 સ્થાનિક રજાનો સમાવેશ થાય છે.

પ્રથમ સત્રમાં 118 દિવસનો અભ્યાસ કરાવાશે. જેમાં જૂનમાં 21 દિવસ, જુલાઈમાં 26 દિવસ, ઓગસ્ટમાં 23 દિવસ, સપ્ટેમ્બરમાં 25 દિવસ અને ઓક્ટોબરમાં 23 દિવસ રહેશે. જ્યારે બીજા સત્રમાં 130 દિવસમાં નવેમ્બરના 8 દિવસ, ડિસેમ્બરના 26 દિવસ, જાન્યુઆરીના 24 દિવસ, ફેબ્રુઆરીના 24 દિવસ, માર્ચના 25 દિવસ, એપ્રિલના 23 દિવસ રહેશે.

(12:07 am IST)