Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

મેઘરાજાના હેત સાથે આકાશી આફત ઉતરી : વીજળી પડતા દાહોદમાં 1, પંચમહાલમાં 1 અને રાજકોટમાં 2 લોકોના મોત

બેડી માર્કેટિંગ યાર્ડ નજીક વીજળી પડી હોવાનો વિડિઓ વાયરલ : મોવિયા ગામે પણ વીજળી પડી: સોલાર પેનલ અને મકાનની છતને નુકશાન : શહેરાના ડુમેલાવ ગામે આકાશી વિજળી પડતા પશુનું મોત

અમદાવાદ : આજે સમી સાંજે રાજકોટ શહેરમાં માત્ર 20 મીનીટમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી લઇ સાંજ સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો બીજી તરફ જસદણ પંથકમાં પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી હતી.

રાજકોટ જિલ્લાના જસદણ શહેર તેમજ જસદણ તાલુકાના જુદા જુદા ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. એક તરફ વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. બીજી તરફ જસદણ તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં વીજળી પડતાં સુનીલ અને અરુણ નામના બે બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. બનવાની જાણ થતાં 108 ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે, બાદમાં બને બાળકોને મૃત જાહેર કરાતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વીજળી પડી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ માં પણ વીજળી પડી રહી હોય તે પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. બે દિવસ પૂર્વે ગોંડલ તાલુકાના મોવિયા ગામે પણ વીજળી પડી હતી જેના કારણે મોવૈયા ગામે ગોવિંદ નગર માં મકાનની છત ઉપર રાખવામાં આવેલ સોલાર પેનલ ઉપર વીજળી પડી હતી. જેના કારણે સોલાર પેનલ તેમજ મકાનની છત ને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ થવા નહોતી પામી.

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના જુદા જુદા ગામડાઓમાં મેઘરાજાનું હેત વરસ્યું હતું. બુધવારના રોજ ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભારે વરસાદના કારણે ગોંડલ શહેરમાં આવેલા બે જેટલા અંડરબ્રિજ માં વાહનો ફસાયા હોવાના બનાવ સામે આવ્યા હતા. ગોંડલ શહેરના ઉમવાડા અંડરબ્રિજ ની અંદર પોલીસની કાર ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસની કાર ફસાતા ગોંડલ ફાયરની ટીમ દ્વારા જીપને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે કે આશાપુરા અંડરબ્રિજમાં એસટીબસ ફસાઈ જતા બસ માં રહેલા મુસાફરોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી.

  દાહોદ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ત્યારે જિલ્લાના ફતેપુરા માદવા ખાતે વીજળી પડતા એક યુવકનું મોત તયું છે. ભારે પવન અને વરસાદ વચ્ચે વીજળી ત્રાટકી તી. ઝાડ પાસે ઢોર છોડવા આધેડ ગયા અને તેજ વખથએ વીજળી મોત બનીને ત્રાટકી, સ્થળ પર જ આધેડનું મોત થયું હતું. તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે ફતેપુરા લઈ જવામાં આવ્યો હતો.
પંચમહાલ ગોદરાના વેગનપુર ગામમાં પણ વીજળી પડતા એક યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. અહીં ગોધરાના વેગનપુર ગામમાં પશુ ચરાવવા ગયેલા યુવક પર કાળ બનીને વીજળી પડી હતી. જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સમયે પશુઓને લઈ ચરાવવા ગયેલા 37 વર્ષિય યુવક પર વીજળી પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. યુવકને સ્થાનિકોએ સારવાર માટે યુવકને ગોધરા ખસેડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલા જ યુવકે જીવ ગુમાવી દીધો હતો. આ સિવાય શહેરાના ડુમેલાવ ગામે પણ આકાશી વિજળી પડતા પશુનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

(12:12 am IST)