Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ડબલ એન્‍જીન સરકારની ‘ઢીલી નીતિ' : ૧૬૦૦ નોટરીની ૧૮ - ૧૮ મહિના છતાં નિમણુક નહિ

માર્ચ ૨૦૨૧માં ૨૦,૦૦૦ અરજીઓ આવી હતી : ઇન્‍ટરવ્‍યુ પ્રક્રિયા પણ પૂરી છતાં નિમણુક થઇ નથી : વિલંબ કેમ ? અરજદારોમાં ઉઠતા વિવિધ પ્રકારના સવાલો

અમદાવાદ તા. ૮ : નોટરીની જગ્‍યાઓ પર ભરતીની પ્રક્રિયા શરૂ કર્યાને દોઢ વર્ષ વીતી ગયા પછી પણ ગુજરાત સરકારે હજુ સુધી કોઇ નિમણૂંક નથી કરી. ઇન્‍ટરવ્‍યુ પતી ગયા છે પણ ૨૦૦૦૦થી વધારે ઉમેદવારો પરિણામની રાહ જોઇ રહ્યા છે.

માર્ચ ૨૦૨૧માં રાજ્‍યના ન્‍યાય વિભાગ દ્વારા રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં ૧૬૦૦ નોટરીની નિમણુંક માટે એક જાહેરાત આપી હતી. અરજી આપવાની છેલ્લી તારીખ ૧૫ માર્ચ રખાઇ હતી જે પછીથી ૧૫ દિવસ લંબાવવામાં આવી હતી. સરકારને ૨૦ હજારથી વધારે અરજીઓ મળી હતી. તેમ અમદાવાદ મિરર જણાવે છે.

આ અરજીઓની ચકાસણી કરાઇ હતી અને ઇન્‍ટરવ્‍યુ ગોઠવાયા હતા. ન્‍યાય વિભાગે રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં ૧૦ તબક્કે ઇન્‍ટરવ્‍યુ લીધા હતા. જો કે હજુ સુધી એપોઇન્‍ટમેન્‍ટ લેટર નથી. મોકલાયા. કેટલાક ઉમેદવારોએ સરકારનો સંપર્ક સાધ્‍યો હતો પણ તેમને કોઇ જવાબ નથી મળ્‍યો.

સરકાર જ્‍યારે જરૂર પડે ત્‍યારે નોટરીની નિમણુંક કરતી હોય છે. હવેની ભરતી લગભગ ૨ વર્ષ પછી થશે. ન્‍યાય વિભાગે કોરોના મહામારીના કારણે ભરતી મોકુફ રાખી હતી. નોટરી તરીકે લાયક ઠરવા માટે ઓછામાં ઓછી ૧૦ વર્ષની પ્રેકટીસ જરૂરી છે.

વિવિધ જિલ્લાઓની મળીને કુલ ૧૬૦૦ જગ્‍યાઓ ખાલી હોવાનું સરકારે જાહેર કર્યું હતું. સૌથી વધારે ૧૨૫ જગ્‍યાઓ અમદાવાદમાં છે. જેના માટે ૫૦૦૦ લોકોએ અરજી કરી હતી એવું ન્‍યાય વિભાગના એક ઉચ્‍ચ અધિકારીએ જણાવ્‍યું. જ્‍યારે ૫૩ જગ્‍યાઓ ગાંધીનગર જિલ્લામાં રાજકોટમાં ૧૨૧, સુરતમાં ૧૨૪ અને વડોદરામાં ૧૩૯ જગ્‍યાઓ ખાલી હતી.

ગાંધીનગર કોર્ટમાં એક સીનીયર વકીલે કહ્યું કે મારા ઘણાં સાથીદારોએ આ જગ્‍યા માટે અરજી કરી છે પણ કંઇ થતું હોય તેવું દેખાતું નથી. લોકો આતુરતા પૂર્વક રીઝલ્‍ટની રાહ જોઇ રહ્યા છે. અમે આમા કંઇ રજૂઆત કરવા નથી માંગતા કેમકે તેનાથી અમારા સીલેકશનને અસર થઇ શકે છે.

ભાવનગરના એક ઉમેદવારે આક્ષેપ કર્યો કે, મોટા પાયે ભ્રષ્‍ટાચાર થાય છે અને એટલે જ પ્રક્રિયામાં મોડું કરાઇ રહ્યું છે. મેં ઇન્‍ટરવ્‍યુ આપ્‍યો છે અને તે સારો પણ ગયો છે તેમ છતાં મને મારી નિમણૂંક અંગે શંકા છે.

રાજ્‍ય સરકારના એક સૂત્રએ કહ્યું કે, મોટા પ્રમાણમાં આવેલ અરજીઓના કારણે મોડું થઇ રહ્યું છે. દરેક જિલ્લા માટે ત્રણ અધિકારીઓની બે ટીમ બનાવાઇ છે. એક ટીમ ડોક્‍યુમેન્‍ટસ તપાસ છે અને બીજી ટીમ ઇન્‍ટરવ્‍યુ લે છે. તેમણે કહ્યું કે પ્રક્રિયાને સંપૂર્ણ થવામાં બેથી ત્રણ મહિના લાગશે.

ગુજરાત નોટરીઝ એસોસીએશનના પ્રમુખ ધીરેન ટી. શાહે કહ્યું ‘એક બાજુ સરકાર રોજગારીની વાતો કરે છે અને બીજી બાજુ નિમણૂંક પત્રો આપતી નથી. ૨૦૦૦૦થી વધારે ઉમેદવારો પરિણામની રાહ જોઇ રહ્યા છે. ઇન્‍ટરવ્‍યુ કયારના પતી ગયા છે તો મોડું શા માટે કરાઇ રહ્યું છે?'

(10:41 am IST)