Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

શહેરી વિસ્‍તારોમાં પાછલી સીટ માટે બેલ્‍ટનો અમલ અર્થહીનઃ ઉતાવળ ન કરતા

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્‍યમંત્રીને લખ્‍યો પત્ર

રાજકોટ તા. ૮: ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે મુખ્‍યમંત્રીને પત્ર લખી જણાવ્‍યું છે કે, હાલમાં જ મુંબઇ પાસે એક કાર અકસ્‍માતમાં પાછલી સીટ પર બેસેલ અગ્રગણીય ઉદ્યોગપતિનું દુઃખદ અવસાન થયું છે. આ ખરેખર આઘાતજનક બાબત છે. પરંતુ આ બનાવના પગલે તાત્‍કાલિક અસરથી પાછલી સીટ પર બેસનારે ફરજિયાત સીટ બેલ્‍ટ બાંધવો અને ન બાંધનારને દંડ કરવા જેવો કાયદો લાવવો થોડી ઉતાવળથી કરાયો જણાય છે. ખાસ કરીને શહેરી વિસ્‍તારોમાં આ કાયદાનું પાલન કરવું અતિશયોકિત ભર્યું જણાશે.

શહેરોમાં ટ્રાફિકની સમસ્‍યા, રસ્‍તા પરના ખાડાઓ, રખડા પશુઓ, ફલાયઓવર તેમજ મેટ્રોના ચાલુ કામોની અડચણો, ગણેશત્‍સવ, નવરાત્રિ, મોહરમ, જેવા ધાર્મિક પ્રસંગોએ રસ્‍તા પર ઉભા થતા પંડાલો, સભા, સરઘસ, વિરોધ પ્રદર્શનો વગેરેને કારણે વાહનો માંડ ૧પ થી ર૦ કિ.મી.ની ઝડપે ચાલી શકે છે. આવી ગતિથી ચાલતા વાહનને જો અકસ્‍માત થાય તો તેમાં મૃત્‍યુ કે ગંભીર ઇજાઓ થવાની શકયતા નહિંવત છે. તો આવા કાયદાઓનો કડક અમલ શહેરી વિસ્‍તારોમાં કરાવવો અર્થહીન છે. કયારેક તો એ પણ સમજાતું નથી કે અમુક કાયદાઓ લોકોની સુરક્ષા માટે ઘડવામાં આવે છે કે પોલીસને દંડના ઉઘરાણા કરવામાં સરળતા રહે તે માટે ?!

આપ એક સજજન અને સહિષ્‍ણુ વ્‍યકિત છો. આમ જનતાને પરેશાની કરતાં તેમજ ભ્રષ્‍ટાચારને પ્રોત્‍સાહિત કરતા આવા કાયદાનો અમલ બિનજરૂરી રીતે ન થાય તે પ્રત્‍યે અંગત રસ લઇ જરૂરી સુચના આપશો તેવી અમારી નમ્ર અરજ છે.

(5:23 pm IST)