Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

‘નલ સે જલ’ અભિયાન હેઠળ ગુજરાતના એન્જિયરોએ કર્યો વધુ એક મોટો ચમત્કાર, ઇતિહાસમાં પહેલી વખત નર્મદા જિલ્લાના સાદા ગામ સુધી પહોંચાડવામાં આવ્યું 24 કલાક શુદ્ધ પાણી

કરજણ નદીમાં સૌર ઊર્જા આધારિત ફ્લોટિંગ સેટઅપ બનાવીને સાદા ગામના ઘરે-ઘરે પહોંચાડ્યું નલ સે જલ : સાદા ગામના 45 પરિવારોના લગભગ 250 લોકોને મળશે 24 કલાક પાણી : નલ સે જલ અભિયાન હેઠળ ગુજરાતમાં 97 ટકા કાર્ય સંપન્ન

રાજકોટ તા.૮ :છેલ્લા કેટલાંક મહિનાઓમાં ગુજરાતનો પાણી પુરવઠા વિભાગ નલ સે જલ અભિયાન હેઠળ રાજ્યમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાને લઇને ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં જ, ગુજરાતના એન્જિનિયરો દ્વારા એક મોટો ચમત્કાર નર્મદા જિલ્લાના સાદા ગામમાં જોવા મળ્યો છે. અનેક ભૌગોલિક પડકારો છતાંપણ આ ગામમાં 24 કલાક પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ વાત મહત્વપૂર્ણ છે કે ગુજરાત સરકાર આ જ સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર ગુજરાતને 100 ટકા નલ સે જલ રાજ્ય જાહેર કરશે. અત્યારસુધીમાં ગુજરાત 97 ટકા નલ સે જલ જાહેર થઈ ચૂક્યું છે. 

ભૌગોલિક રીતે ખૂબ જ પડકારજનક વિસ્તાર છે સાદા ગામ

નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના સાદા ગામની ભૌગોલિક રચના એવા પ્રકારની છે કે ત્યાં ન તો પાકા રસ્તાઓ બનાવવાની વ્યવસ્થા સંભવ છે અને ન તો ત્યાં વીજળી પહોંચાડવાની વ્યવસ્થા શક્ય છે. કરજણ નદીના કિનારે વસેલા આ ગામમાં હોડી મારફતે જ આવ-જા કરી શકાય છે. આ ગામમાં લગભગ 45 પરિવારો રહે છે અને અહીંની કુલ વસ્તી લગભગ 250 છે. અહીંયા રહેતા ગામલોકોના ઘરો પણ એકબીજાથી ઘણા દૂર રહેલા છે. આ પરિસ્થિતિમાં આ ગામના લોકો સુધી 24 કલાક નળ વાટે પાણી પહોંચાડવાનું ગામ ગુજરાત સરકાર માટે ઘણું પડકારરૂપ કાર્ય હતું. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તાર હોવાને કારણે રાજ્ય સરકારની રિજિયોનલ વોટર સપ્લાય સ્કીમને અહીંયા કાર્યરત કરવી પણ શક્ય ન હતું.

આ સિવાય અન્ય એક બાબત એ હતી કે કરજણ નદીના પાણીની ટર્બિડિટી 30થી વધુ હોવાને કારણે અહીંના લોકો દૈનિક જરૂરિયાતો માટે આ નદીના પાણીનો સીધો ઉપયોગ કરી શકે એમ નહોતા. આ સમસ્યાના ઉકેલરૂપે અહીંના લોકો નદીથી થોડે દૂર એક નાનો ખાડો ખોદતા હતા, જેનાથી નદીનું પાણી કુદરતી રીતે ખાડામાં પડે છે અને ત્યારબાદ ગામલોકો એ પાણીનો ઉપયોગ કરતા હતા. આ બધા પડકારોને પહોંચી વળવા માટે WASMO એ ફ્લોટિંગ પ્લેટફોર્મ સેટઅપનું નિર્માણ કર્યું, જેના કારણે હવે આ ગામમાં 24 કલાક પીવાના પાણીની વ્યવસ્થા સંભવ થઈ શકી છે. 

શું છે WASMOની ફ્લોટિંગ પ્લેટફોર્મ ટેક્નીક

સોલાર પાવર આધારિત ફ્લોટિંગ પ્લેટફોર્મને કરજણ નદી ઉપર સ્થાપિત કરવામાં આવ્યું છે, જે આ નદીની ઉપર તરતું રહે છે. આ ફ્લોટિંગ પ્લેટફોર્મમાં સિંગલ ફેઝ આધારિત બે નાના સબ્મરસિબલ પંપ પણ લગાવવામાં આવ્યા છે, જે પાણીની નીચે રહેલા હોય છે અને બંને પંપ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. 3 HP ક્ષમતાવાળા આ બંને પંપોમાં પાણીને 110 મીટરની ઉંચાઇ સુધી ઉપર લઇ જવાની ક્ષમતા છે. 

ભૌગોલિક પરિસ્થિતિને જોતા આ ગામને આ પ્રોજેક્ટ માટે બે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પંપોના સંચાલન માટે આ ઝોનના સૌથી ઊંચા સ્થાન પર 3 KW ક્ષમતાવાળા એક-એક સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સોલાર પેનલથી પ્રાપ્ત થતી ઇલેક્ટ્રિસિટીને કોપર કેબલ મારફતે નદીમાં સ્થાપિત કરેલા ફ્લોટિંગ પ્લેટફોર્મ સુધી લઈ જવામાં આવે છે અને આ રીતે બંને સબ્મરસિબલ પંપોનું સંચાલન કરવામાં આવે છે. ભવિષ્યમાં આ સોલાર પેનલથી પ્રાપ્ત થતી સૌર ઊર્જાના ઉપયોગ બાદ વધારાની ઇલેક્ટ્રિસિટીનો સંગ્રહ કરવાની યોજના છે.

નદીના પાણીને શુદ્ધ કરવા માટે બંને ઝોનમાં સ્થિત સોલાર પેનલની પાસે સ્થાપિત કરવામાં આવેલા એક-એક સેન્ડ ફિલ્ટરના સેટઅપ્સમાં પ્રવાહિત કરવામાં આવે છે. આ સેન્ડ ફિલ્ટર્સ પ્રતિ ફિલ્ટર 2400 પ્રતિ કલાકની ક્ષમતા સાથે નદીના પાણીને શુદ્ધ કરે છે અને ત્યારબાદ આ પાણીને બાજુમાં સ્થાપિત કરવામાં આવેલા 5000 લીટર પ્રતિ ટેન્કની ક્ષમતાવાળી બે ક્લિયર વોટર ટેન્કોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, બંને ઝોનમાં સોલાર પેનલ, સેન્ડ ફિલ્ટર અને ક્લિયર વોટર ટેન્ક આ ત્રણેયને એક જ સ્થાન પર સ્થાપિત કરવામાં આવ્યા છે. ટેન્કમાં રહેલા પાણીને બ્લીચિંગ પાઉડર દ્વારા ડિસઇન્ફેક્ટ કરીને અંતે જળ વિતરણની લાઇનો મારફતે સાદા ગામના ઘરે-ઘરે પહોંચાડવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ક્લિયર વોટર ટેન્કોના નીચલા હિસ્સામાં પણ પાંચ નળ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને, આ વિસ્તારના કોઈપણ ઘરના નળમાં જો કોઈ કારણસર પાણી ન આવે તો તે પરિવાર આ ટેન્કના નીચલા હિસ્સામાં લગાવવામાં આવેલા નળમાંથી પાણી મેળવી શકે છે.

માત્ર 15 દિવસોમાં પૂરો કરવામાં આવ્યો આ અનોખો પ્રોજેક્ટ

અનેક ભૌગોલિક અને અન્ય પડકારો છતાંપણ 16 લાખ 67 હજાર રૂપિયાના ખર્ચે નિર્મિત આ પ્રોજેક્ટને માત્ર 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. સાદા ગામના લોકો માટે 9 સપ્ટેમ્બર, 2022 થી 24 કલાક પાણીની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટનું ઓવરઓલ મેનજમેન્ટ ગ્રામ્ય સ્તરે બનાવવામાં આવેલી પાણી સમિતિ કરશે તેમજ તેનું ટેક્નિકલ મેનેજમેન્ટ WASMO તરફથી કરવામાં આવશે. 

(5:47 pm IST)