Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ગુજરાતમાં હવે પછી સરકાર કોની ? ત્રિપાંખીયો રસપ્રદ જંગ

ભાજપને મોદીની લોકપ્રિયતાનો લાભ : ‘આપ' પાસે કેજરીવાલનો ચહેરો : કોંગ્રેસ પક્ષીય ધોરણે ચૂંટણી લડે છે, ગેહલોતને જવાબદારી

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૮ : રાજ્‍યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો પોતાના તાકાતનો ઉપયોગ કરવાની શરૂ કરી છે. રાજકીય પક્ષોએ ગુજરાતના જુદા-જુદા ભાગોમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા કમર કશી છે.

આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્‍ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્‍ઠાભર્યો જંગ સમાન બની રહેશે. ભાજપ માટે ખૂબ જ મહત્‍વ રહેશે. જ્‍યારે કોંગ્રેસ છેલ્લા ચાર ટર્મમાં ગત ચૂંટણી એટલે કે ૨૦૧૭ની ચૂંટણીમાં અંદાજે ૮૦ જેટલી બેઠકો મેળવવામાં સફળતા મેળવી હતી.

આ વખતે બે મુખ્‍ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપે નવા સમીકરણ આમ આદમી પાર્ટીનો સામનો કરવામાં મહેનત કરવી પડશે. અત્‍યાર સુધી કેટલાક લોકો દ્વારા આમ આદમી ‘બી' ટીમ છે તેમ કહેવામાં આવી રહ્યું છે તેનો સ્‍પષ્‍ટ જવાબ આપતા કેન્‍દ્રીય ગૃહમંત્રીએ સ્‍પષ્‍ટ જવાબ આપ્‍યો કે અમારી કોઇ એ-બી-સી ટીમ નથી અમે માત્ર ભારતીય જનતા પાર્ટીના નામે ચૂંટણી લડીએ છીએ.

ભારતીય જનતા પાર્ટી પોતાના પ્રતિક પર લડી રહી છે એને કોઇપણ પાર્ટીની મદદની જરૂર નથી.

આ વખતે ભાજપમાં વડાપ્રધાનનો ચહેરો મુખ્‍ય બની રહેશે. જ્‍યારે આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલનું નામ મોખરે રહેશે. આમ આદમી પાર્ટી દિલ્‍હીમાં ત્રણ ટર્મથી રાજ કરી રહી છે. તાજેતરમાં પંજાબની વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ખૂબ મોટી લપડાક મારી છે.

કોંગ્રેસે રાજસ્‍થાનના મુખ્‍યપ્રધાન અશોક ગેહલોતને ગુજરાતની ચૂંટણી જીતાડવાની મોટી જવાબદારી સોંપી છે. જ્‍યારે આમ આદમી પાર્ટીમાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલના શિરે છે. હવે જોવાનું એ રહ્યું કે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પ્રજા કેટલો વિશ્વાસ મૂકે છે અને આગામી સરકાર કોની બનવાવી તે દિશામાં પોતાનો સહયોગ આપશે.

આમ આ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગમાં કોણ મેદાન મારે છે તે જોવાનું રહ્યું.

(3:23 pm IST)