Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ચૂંટણી પહેલા રણનીતિ ઘડવા અમદાવાદમાં પાટીદાર સંસ્‍થાઓની મિટીંગ શરૂ

જો કે પાટીદાર સંસ્‍થાઓની મુખ્‍ય ત્રણ સંસ્‍થા ગેરહાજર રહેવાની ચર્ચા

રાજકોટ તા.૮: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આજે મંગળવારે બપોરે પાટીદાર સંસ્‍થાઓની મિટિંગ અમદાવાદના ઉમિયા કેમ્‍પસ સોલા ખાતે ૩ દિગ્‍ગજ સંસ્‍થાની બેઠક મળશે.

ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરની ત્રણેય સંસ્‍થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્‍ટીઓ હાજર રહેશે.ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ રહેશે ઉપસ્‍થિતિ

સૌરાષ્ટ્રથી ઉમિયાધામના જેરામભાઈ પટેલ અને ખોડલધામના નરેશભાઈ પટેલ , ઊંઝાના ઉપપ્રમુખ રમેશભાઈ દૂધવાળા અને સી. કે. પટેલ પણ બપોરે ૧૨ વાગ્‍યાᅠ ઉમિયા કેમ્‍પસ સોલા ખાતે બેઠકમા ઉપસ્‍થિત રહેશે.

પાટીદાર સંસ્‍થાઓની બેઠકમાં ત્રણ મુખ્‍ય સંસ્‍થા ગેરહાજર રહેશે.માત્ર બે સંસ્‍થા ઉમિયાધામ ઊંઝા અને સિદસર જ હાજર રહેશે.અમે હાજર રહી શકીએ તેમ નથી, બહાર છીએ તેમ આર.પી.પટેલ, પ્રમુખ, વિશ્વઉમિયાધામએᅠ જણાવ્‍યું છે.

અમને પુછ્‍યા વગર મિંટિગનું આયોજન કરાયું છે અમે હાજર નહીં રહીએ તેમ દિનેશભાઈ કુંભાણી,ટ્રસ્‍ટી, ખોડલધામ એ જણાવ્‍યું છે.

નરેશભાઈ પટેલ પણ હાજર નહીં રહે, તેઓ બહાર છે.તેમ રમેશભાઈ ટીલાળા, ટ્રસ્‍ટી, ખોડલધામ એ જણાવ્‍યું છે.અમે તો શૈક્ષણિક સંસ્‍થા છીએ અમે હાજર નહીં રહીએ તેમ ગગજીભાઈᅠ સુતરિયા ,પ્રમુખ સરદારધામ એ જણાવ્‍યું છે.

હું પુનમ હોવાથી બહાર જઇ રહ્યો છું, વહેલી સવારથી તેમᅠ બાબુ જમના પટેલ, પ્રમુખ , ઉમિયાધામ ઉંઝા એ જણાવ્‍યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્‍યો છે. વિવિધ સમાજ દ્વારા પણ સમાજના વ્‍યક્‍તિને ટિકિટ માટે રાજકીય પક્ષો સમક્ષ માગ કરવામાં આવી રહી છે. આ વચ્‍ચે ચૂંટણી પૂર્વેᅠ વર્લ્‍ડ પાટીદાર ફેડરેશન દ્વારા મંગળવારના રોજ ઈમરજન્‍સી મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પાટીદારોની સાત સંસ્‍થાઓના પ્રમુખોને પણ ઉપસ્‍થિત રહેવા માટે જણાવવામાં આવ્‍યું છે.

વર્લ્‍ડ પાટીદાર ફેડરેશન દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્‍યું છે કે, આગામીᅠ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી વર્લ્‍ડ પાટીદાર ફેડરેશનની મીટિંગ ફેડરેશનના અધ્‍યક્ષ સી.કે.પટેલના નેતૃત્‍વમાં તા.૮-૧૧-૨૦૨૨ના રોજ મંગળવારે બપોરે ૧૨ કલાકે ઉમિયાધામ, સોલા- અમદાવાદ ખાતે ઈમરજન્‍સી મીટિંગનું આયોજન કરેલ છે. જેમાં પાટીદાર હિતોની ચર્ચા કરવામાં આવે છે. પત્રમાં કોર કમિટીના સભ્‍યોને હાજર રહેવા માટે જણાવાયું છે. સાથે જ આ પત્રની નકલ ઊંઝા ઉમિયામાતાજી સંસ્‍થાન, ખોડલધામ, સમસ્‍ત પાટીદાર સમાજ સુરત, વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન, સિદસર ઉમિયાધામ, સરદાર ધામ અને કચ્‍છ કડવા પાટીદારના પ્રમુખોને મોકલવામાં આવી છે.

ચૂંટણીને પગલે પાટીદાર સંસ્‍થાઓ દ્વારા રણનીતિ ઘડવામાં આવશે તેવી ચર્ચા છે. જો કે, આ બેઠકમાં પાટીદાર જૂથોના બે ફાંટા પડ્‍યો હોય તેવું લાગી રહ્યું છે. આ બેઠક વર્લ્‍ડ પાટીદાર ફાઉન્‍ડેશનના પ્રમુખ સી.કે.પટેલે બોલાવી છે. પરંતુ આ બેઠકથી વર્લ્‍ડ પાટીદાર ફાઉન્‍ડેશનના ઉપપ્રમુખ અજાણ હોવાનુ સામે આવ્‍યું છે.ખોડલધામના ટ્રસ્‍ટી એને વર્લ્‍ડ પાટીદાર ફેડરેશન ઉપપ્રમુખદિનેશ કુંભાણીએ ગુજરાત મિરરને જણાવ્‍યું હતું કે, આ બેઠકમાં હું હાજર નહીં રહું. હું કામ સબબ ભોપાલ છું અને બેઠક અંગે મને પૂછવામાં આવ્‍યું નથી,જયારે નરેશભાઈ બિઝનેસના કામથી વિદેશ ગયા છે. બેઠક અંગે અમને પૂછવામાં આવ્‍યું નથી.ખોડલધામ ટ્રસ્‍ટ આ બેઠકમાં જોડાઈ રહ્યું નથી.

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સામાજિક આગેવાનો પોત પોતાના સમાજની માંગોને લઈ સક્રિય થઈ ગયા છે. સરકાર સમક્ષ પ્રેશર પોલિટીક્‍સની રમત રમાઈ રહી છે. તો આ તરફ ગુજરાતમાં ૧૪% વોટબેન્‍ક ધરાવતા પાટીદાર સમાજની સંસ્‍થાઓની મહાબેઠક મળી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્‍થાઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.

થોડાસમય અગાઉ અમદાવાદમાં વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોની મુખ્‍ય સંસ્‍થાઓના પ્રમુખોની બેઠક યોજાઇ હતી. પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્‍ટીઓની બંધબારણે યોજાયેલી બેઠકમાં પાટીદાર સમાજના રીત રિવાજ, હાલ પ્રશ્નો તેમજ અનામત કેસ પરત અને પીએસઆઇની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્‍યાય મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

(12:05 pm IST)