Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

અમદાવાદમાં રાજકોટ ગુરૃકુળની નૂતન શાખા શાંતિગ્રામ ગુરૃકુળનો શિલાન્યાસ

શાંતિગ્રામ ગુરૃકુળ યુવા પેઢીને નવી દિશા આપશે : રાજ્યપાલ

રાજકોટ ગુરૃકુળની નવી શાખા શાંતિગ્રામ ગુરૃકૂળની ભૂમિપૂજન વિધિ સરખેજ - ગાંધીનગર હાઇવે પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને અન્ય સંતો, હરિભકતોની હાજરીમાં થયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૮ : અમદાવાદ શહેરમાં એસ.જી. હાઇવે પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની નૂતન શાખા શાંતિગ્રામ ગુરૃકુલનો શિલાન્યાસ વિધિ ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુરૃવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે સંપન્ન થયો. જયાં ૧૦ એકર વિશાળ ભૂમિ પર સમગ્ર ગુજરાતમાંથી આવતા કોલેજીયન વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની અધતન સુવિધાયુકત છાત્રાલય નિર્માણ થશે. અધતન લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, રમત મેદાનો સાથે વિવિધ સુવિધા ઉપલબ્ધ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે સ્કીલ બેઝડ્ શિક્ષણ વ્યવસ્થા કરાશે.

આ પ્રસંગે પૂ. મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી આદિ સંતો તથા શ્રી લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ), શ્રી કાંતિભાઈ ગઢીયા, શ્રી  રવજીભાઈ વસાણી, શ્રી રાકેશભાઈ દુધાત આદિ અનેકવિધ સમાજ શ્રેષ્ઠીઓ તથા ૧૫૦૦ જેટલા હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

શાંતિગ્રામ ગુરુકુલના સંવાહક પૂજય શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ રાજયપાલનું સ્વાગત કર્યા બાદ રાજયપાલના હસ્તે  બાબુભાઈ શેલડીયા, રમેશભાઈ મેશિયા આદિ ગુરુકુલના દાતાઓને સન્માનિત કરાયા.

ગુરૃકુલના કાર્યોથી પ્રભાવિત રાજયપાલે ઉદબોધન કરતા કહ્યું હતું કે 'ગુરૃકુલ રાષ્ટ્રનિર્માણ કા આધાર હૈ' શહેરથી નજીક, નર્મદા નહેરને કાંઠે નિર્માણ થનાર આ શાંતિગ્રામ ગુરૃકુલ આવનારી યુવા પેઢીને નવી દિશા આપશે.

આ પ્રસંગે મોરબી પુલ દુર્ઘટનામાં મુત્યું પામેલ આત્માઓની શાંતિ માટે સૌ સંતો તથા હરિભકતોએ પ્રાર્થના કરી હતી.

(3:17 pm IST)