Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ગાંધીનગર નજીક આવેલ ચિલોડામાં ડ્રાઈવરને બંધક બનાવી લૂંટ ચલાવી 6 શખ્સો રફુચક્કર

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા નરોડા હાઇવે ઉપર છેલ્લા થોડા દિવસોથી લૂંટારુ ટોળકીએ તરખાટ મચાવ્યો છે અને એક પછી એક વાહન ચાલકોને લૂંટી લેવાની ઘટના બની છે. ત્યારે પ્રાંતિયા પાસે બંધ પડેલા ટેમ્પો ચાલકને માર મારી બાઈક અને મોપેડ ઉપર આવેલા છ લૂંટારુ રોકડ અને મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જે મામલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ચિલોડા નરોડા હાઇવે ઉપર તો વાહન લઈને જતા કે પછી ચાલતા જતા લોકોને આંતરીને લૂંટી લેવાની ઘટનાઓ સતત વધી રહી છે. બે દિવસ અગાઉ ઉત્તર પ્રદેશથી આવેલા બે ભાઈઓને લૂંટી લેવાની ઘટના બની હતી ત્યારે પ્રાંતિયા પાસે બંધ પડેલા ટેમ્પો ચાલકને લૂંટવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે ઈડર પાંજરાપોળ પાસે રહેતા અને ટેમ્પોમાં શાકભાજી લાવવા લઈ જવાનું કામ કરતા રાજુભાઈ અમરતભાઈ રાવળ તેમનો ટેમ્પો લઈને વડોદરા ગયા હતા અને જ્યાંથી પરત ઇડર જઈ રહ્યા હતા તે સમયે ચિલોડા નરોડા હાઇવે ઉપર પ્રાંતિયા પાસે તેમનો ટેમ્પો બંધ પડી ગયો હતો જેથી તેના ફ્યુઝ નાના ચિલોડા ખાતેથી લઈ આવી ટેમ્પો રીપેર કરી રહ્યા હતા તે સમયે બાઇક અને મોપડ ઉપર છ જેટલા શખ્સો ત્યાં આવ્યા હતા. જેમણે રાજુભાઈ પાસે વાતચીત શરૃ કરી હતી અને ત્યારબાદ તેમને માર મારવાનું શરૃ કર્યું હતું. તેમની પાસે રહેલા રોકડ અને મોબાઈલ મળી ૧૮૦૦૦ ઉપરાંતની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા. રાજુભાઈએ બૂમાબૂમ કરી હોવા છતાં આ લૂંટારુ હાથમાં આવ્યા ન હતા. આ મામલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા લૂંટારાઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ વિસ્તારમાં વધેલી લૂંટની ઘટનાઓને પગલે હવે અહીં સવસ રોડ ઉપર વાહન ઉભું રાખવું પણ સામાન્ય નાગરિકો માટે હિતાવહ રહ્યું નથી. જેથી પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીને આવા લૂંટારુ શખ્સોને પકડવા જરૃરી છે.

(4:54 pm IST)