Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

હાર્દિક પટેલ પરીક્ષામાં પાસ : વિરમગામ સીટ પર મેળવી જીત

હાર્દિક પટેલની ૫૧૫૫૫ મતથી જીત થઇ છે. વર્તમાન ધારાસભ્‍ય લાખાભાઇ ભરવાડની કારમી હાર થઇ છે

 નવી દિલ્‍હી,તા.૮ : ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામ દરમિયાન સૌની નજર અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર હતી. આ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યો હતો. જેની સામે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડ મેદાને હતા. જ્‍યારે હાર્દિક પટેલે વિરમગામ બેઠક પર જીત હાંસલ કરી છે. હાર્દિક પટેલની ૫૧૫૫૫ મતથી જીત થઇ છે. બીજા નંબરે ૪૭૦૭૨ મત આમ આદમી પાર્ટી લઈ ગયું છે. વર્તમાન ધારાસભ્‍ય લાખાભાઇ ભરવાડની કારમી હાર થઇ છે. કોંગ્રેસ વિરમગામ બેઠક પર બીજું સ્‍થાન જાળવવામાં પણ નિષ્‍ફળ રહ્યું છે. ખાસ કરીને રાજકીય વિશ્‍લેષકો માની રહ્યા છે કે, આ બેઠક પર હાર્દિક પટેલની હાર-જીત તેનું રાજકીય ભવિષ્‍ય નક્કી કરશે. પાટીદાર નેતા હાર્દિક પટેલના લીધે આ બેઠક પર સૌ કોઇની નજર હતી.

 બેઠક નંબર ૩૯ વિરમગામ ગુજરાત રાજ્‍યના ઉત્તર ગુજરાત વિસ્‍તારના અમદાવાદ જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. વિરમગામ બેઠક સુરેન્‍દ્રનગર લોકસભા વિસ્‍તાર હેઠળ આવે છે. આ બેઠક જનરલ ગ્રામ્‍ય કેટેગરી હેઠળ આવે છે. ૨૦૨૨ની ચૂંટણીમાં વિરમગામ બેઠક પર કુલ ૧૯૮૪૮૮ લોકોએ મતદાન કર્યું હતું. જ્‍યારે ટકાવારી પ્રમાણે ૬૫.૫૭ ટકા મતદાન નોંધાયું હતું.

 વિરમગામ ગામ બેઠક પર ૩,૦૨,૭૩૪ કુલ મતદારો છે. જેમાંથી પુરૂષ મતદારો ૧,૫૬,૦૦૪ અને મહિલા મતદારો ૧,૪૬,૭૨૬ છે. જ્‍યારે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહેલો છે. વર્ષ ૨૦૧૭માં ૬,૫૪૮ મતોથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ગત ચૂંટણીમાં અહીં ૬૮.૧૬% ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ૧૬,૯૮૩ મતોથી કોંગ્રેસે બાજી મારી હતી. હવે જોવાનું રહ્યું કે, હાર્દિક પટેલ આ બેઠક પર ભગવો લહેરાવવામાં સફળ થાય છે કે કેમ?

 અમદાવાદ જિલ્લાની કુલ ૨૧ બેઠકો પર ૫૯.૦૫ ટકા મતદાન થયું હતું. જ્‍યારે જિલ્લામાં કુલ ૩૫,૪૫,૬૯૧ મતો પડ્‍યા હતા. જિલ્લાની બેઠકોની વાત કરીએ તો, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ઘોળકા, ધંધૂકાનો સમાવેશ થાય છે.

(4:55 pm IST)