Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજ્યના 33માંથી 22 જિલ્લાઓમાં કોંગ્રેસનો કચ્ચરઘાણ : 44 ઉમેદવારોની ડિપોઝિટ ડુલ

આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત : કોંગ્રેસના 11 જિલ્લામાં 17 ઉમેદવાર જીત્યા : કોંગ્રેસના અનેક દિગ્ગજો હાર્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ જાહેર થયુ છે. ભારતીય જનતા પાર્ટી 150 કરતા વધુ બેઠકો સાથે સરકાર બનાવવા જઇ રહી છે. કોંગ્રેસનું ગુજરાતના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નથી. કોંગ્રેસની આ જિલ્લામાં 0 બેઠક રહી છે.

ગુજરાતના 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં કોંગ્રસને એક પણ બેઠક મળી નથી. 44 ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઇ ગઇ છે. જ્યારે આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઇ છે. કોંગ્રેસના 11 જિલ્લામાં 17 ઉમેદવાર જીત્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકમાંથી ભાજપને 47 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસ માત્ર 3 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 31 બેઠક જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસનો સૌરાષ્ટ્ર-કચ્છમાં સફાયો થયો હતો.

પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયા, સોમનાથમાં વિમલ ચુડાસમા અને માણાવદરમાં કોંગ્રેસના અરવિદ લાડાણીનો જ વિજય થયો હતો.

કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત કગથરા, જાવિદ પીરઝાદા, અંબરીશ ડેર, પ્રતાપ દૂધાત, લલિત વસોયા, ગ્યાસુદ્દીન શેખ સહિતના કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર હાર્યા હતા.

(5:58 pm IST)