Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવની એન્ટ્રીથી રાજકીય સમીકરણ બદલાયા :અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય

મધુ શ્રીવાસ્તવ ભાજપને નુકશાન પહોંચાડવામાં સફળ રહ્યાં

વડોદરા શહેર-જિલ્લાની કૂલ 10 બેઠકો પૈકીની વાઘોડીયા બેઠક છેલ્લા એક મહિનાથી કેન્દ્ર સ્થાન પર રહીં છે. 136- વાઘોડીયા બેઠકને છેલ્લા 30 વર્ષથી મધુ શ્રીવાસ્તવ પોતાનુ ગઢ બનાવી બેઠા હતા. પરંતુ આ વર્ષે ભાજપે મધુ શ્રીવાસ્તવની બાદબાકી કરી ભાજપ જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ સાથે મધુ શ્રીવાસ્તવ છંછેડાયા અને ભાજપને અનેક નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવા તથા મધુ શ્રીવાસ્તવને મનાવી લેવા પ્રયાસો કર્યા હતા. પરંતુ દબંગ છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવ ટસના મસના ન થયા અને તેમણે આખરે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનુ મન મનાવી લીધુ હતુ.

મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવતા હવે વાઘોડીયા બેઠક પર ચતુસકોણ્ય જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના અશ્વિન પટેલ, કોંગ્રેસના સત્યજીત ગાયકવાડ, અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અપક્ષ તરીકે મધુ શ્રીવાસ્તવ ઉમેદાવર હતા.

વર્ષ 2017માં વાઘોડીયા બેઠક પર 1,24,000ની આસપાસ મતદાન થયુ હતુ. જેમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવને 62,000ની આસપાસ મત મળ્યાં હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52 હજાર મતો પ્રાપ્ત થયા હતા.

પરંતુ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીનુ ગણીત કોઇને સમજાય તેવુ ન હતુ. રાજકીય નિશણાતો માનતા હતા કે, વાઘોડીયા બેઠક પર ખરાખરીનો જંગ તો ભાજપ – કોંગ્રેસ વચ્ચે નહીં પણ અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ખેલાઇ રહ્યો છે. આ ખેલમાં બે અપક્ષ ઉમેદવારો અંદરો અંદર લઢશે અને ભાજપ સરળતાથી જીત હાસીલ કરી લેશે. જોકે તેવુ શક્ય બન્યુ નહીં.

 

વાઘોડીયા બેઠક પર કોઇએ વિચાર્યુ ન હોય તેવા પરિણામની જાહેરાત થવાની હતી, અને આખરે આજે મતગણતરી શરૂ થતાની સાથે ભાજપના અશ્વિન પટેલ સામે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગળ ચાલી રહ્યાં હતા. અને આખરે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ છેલ્લા પાંચ વર્ષમાં કરેલી અથાગ મહેનતનુ પરિણામે આજે સૌ કોઇની નજર સમક્ષ છે.

 

આમ એકંદરે કહીં શકાય કે, મધુ શ્રીવાસ્તવ ભાજપને નુકશાન પહોંચાડવામાં સફળ રહ્યાં છે, અને વાઘોડીયા બેઠક પર જીત હાસીલ કરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા નજીકના દિવસોમાં કેસરીયો ધારણ કરે તેવી રાજકીય મોર્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

હાલની મતગણતરી મજૂબ

1) ધર્મેન્દ્રસિંહ વાઘેલા (અપક્ષ) - 69,991

2) અશ્વિન પટેલ (ભાજપ) - 59,418

3) મધુ શ્રીવાસ્વતવ (અપક્ષ) - 11,656

4) સત્યજીત ગાયવાડ (કોંગ્રેસ) - 14,644

(6:06 pm IST)