Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

અમદાવાદની જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા બેઠક કોંગ્રેસે જાળવી રાખી : દરિયાપુર સીટ ગુમાવી

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમારનો વિજય :ગ્યાસુદ્દીન શેખનો પરાજય

અમદાવાદની સંવેદનશીલ ગણાતી બેઠકોમાંથી બે પરંપરાગત બેઠકો પર જીત મેળવી કોંગ્રેસ પોતાની લાજ બચાવવામાં સફળ રહી છે. બીજી બાજુ દારિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થતા આ બેઠક ગુમાવી દીધી છે.
જમાલપુર-ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા 58487 મત મેળવી વિજય થયા છે. આ બેઠક પર તેમની સામે ભાજપે ભૂષણ ભટ્ટ અને આપ પાર્ટીના હારુન નાગોરીને ટિકિટ આપી હતી. તેવી જ રીતે દાણીલીમડાની બેઠક પર કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય શૈલેષ પરમારને ટિકિટ આપી હતી અને તે આ ચૂંટણીમાં પણ 69130 મત મેળવીને વિજય થયા છે.

જો કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે દરિયાપુરની બેઠક ગુમાવી પડી છે. દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિલ જૈનને 61090 મત અને કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખને 55847 મત મળ્યા છે. આમ દરિયાપુરની બેઠક પર આખરે ભાજપનો વિજય થયો છે.

(9:12 pm IST)