Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માધવસિંહ સોલંકીના અવસાનથી કુશળ પ્રશાસક અને પ્રખર સાહિત્‍યકાર ગુમાવ્‍યાઃ ભૂપેન્‍દ્રસિંહની અંજલી

ગાંધીનગર, તા. ૯ :. રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી, પૂર્વ વિદેશ મંત્રી અને કુશળ પ્રશાસક તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીના અવસાન બદલ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ ઊંડા શોક અને દુઃખની લાગણી વ્‍યક્‍ત કરી આજે તેમના નિવાસ સ્‍થાને જઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. શ્રી ચુડાસમાએ જણાવ્‍યું હતું કે સ્‍વર્ગસ્‍થ શ્રી માધવ સિંહ સોલંકી ના અવસાનથી માત્ર ગુજરાતે જ નહીં પરંતુ સમગ્ર દેશે કુશળ પ્રશાસક અને સંગઠક ગુમાવ્‍યા છે. ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે તેમની સેવાઓ હંમેશા ચિરસ્‍મરણીય રહેશે, તેમ શ્રી ચૂડાસમાએ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે શ્રી ભૂપેન્‍દ્રસિંહ શ્રી ચુડાસમાએ શ્રી માધવસિંહ સોલંકી સાથે છેલ્લા ૨૦ વર્ષથી નિયમિત સંપર્ક રાખ્‍યો હતો. ખાસ કરીને શ્રી માધવસિંહ સોલંકી ના જન્‍મદિવસ નિમિત્તે ઉપરાંત નૂતન વર્ષના દિવસે નિયમિત રીતે છેલ્લા ૨૦ વર્ષથી તેઓ જન્‍મદિવસ તથા નવા વર્ષની શુભેચ્‍છાઓ પાઠવતા હતા. આ વર્ષે પણ નવા વર્ષ નિમિત્તે શ્રી ચુડાસમાએ શ્રી માધવસિંહ સોલંકીને નવા વર્ષની શુભેચ્‍છાઓ પાઠવીને પોતાનો સંપર્ક જાળવી રાખ્‍યો હતો.

આજે સવારે શ્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાનના સમાચાર જાણ્‍યા બાદ શ્રી ચુડાસમાએ શ્રી માધવસિંહ સોલંકીના નિવાસ સ્‍થાને જઈને સ્‍વર્ગસ્‍થ શ્રી સોલંકી ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને સ્‍વર્ગસ્‍થ ના પરિવારને સાંત્‍વના પાઠવી હતી. શ્રી ચુડાસમાએ તેમના પરિવાર પર આવી પડેલી આપત્તિને સહન કરવાની અભ્‍યર્થના પણ વ્‍યક્‍ત કરી હતી.

(3:30 pm IST)