Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમદાવાદમાં ‘તારા શરીરમાં તકલીફ છે' તેમ કહીને પરિણીતા સામે સસરા ધુણવા બેસી જતાઃ ત્રાસ મુદ્દે પોલીસ ફરિયાદ

અમદાવાદ: મહિલાએ સાસરિયાના ત્રાસથી દવા પી 3 માસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. માતાજીના ભુવા એવા સસરા અને મોટા બાપા પરિણીતાને તારા શરીરમાં તકલીફ છે, તેમ કહી તેની સામે ધુણવા બેસી જતા હતા.

બે પુત્રીના જન્મ બાદ સાસરિયાં પુત્ર જણી શકતી નથી તેમ કહી હેરાન કરતા હતા. પતિએ મહિલાને 8 માસનો ગર્ભ હતો, ત્યારે પણ મારઝૂડ કરી હતી. ઘર ખર્ચના પૈસા સાસરિયાં મહિલાના પિતા પાસે મંગાવતા હતા. જો ખર્ચ ના મળે તો મહિલાને પતિ મારમારતો હતો.આ બનાવ એલિસબ્રિજ પોલીસે મહિલાની ફરિયાદ આધારે સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આંબાવાડી આંબેડકર કોલોનીમાં રહેતી નિમિષા પરમારના લગ્ન પછીના શરૂઆતના દિવસો સારા રહ્યા બાદ સાસરિયાનો ત્રાસ વધતો ગયો હતો. નિમિષા ગર્ભવતી હતી, તે સમયે તેની તબિયત ખરાબ હોવાથી સુઈ રહી હતી. તે સમયે પતિએ મારઝૂડ કરી ધક્કો મારી નીચે પાડી હતી. સાસુ-સસરાની સમજાવટથી નિમિષાને પિયર મોકલી ડિલિવરી કરાવી જોકે 4 માસ સુધી સાસરિયાં જોવા આવ્યા ન હતા.

સમાજ રાહે સમાધાન થતા સાસરિયાં નિમિષાને લઈ ગયા હતા. ઘરખર્ચ નિમિષાના પિતા પાસે માંગતા જો ના આપે તો લગ્નના પહેરવાના દાગીના ગીરવે મૂકી પૈસા લાવી ખર્ચી નાંખતા હતા. નિમિષા દાગીના ના આપે તો પતિ મારઝૂડ કરતો તેને કાકા સસરા અને દિયર સાથ આપતા હતા. સાસરિયાં અવારનવાર ત્રાસ આપતા હતા. સસરા અને મોટાબાપા તારા શરીરમાં તકલીફ છે,તેમ કહી નિમિષાની સામે ધુણવા બેસી જતા હતા. પતિ ઘરની બહાર પત્નીને નીકળવા દેતો ન હતો. 3 દિવસ અગાઉ નિમિષાને તેનો પતિ પિયરમાં મૂકી ગયો હતો

આખરે કંટાળેલી નિમિષાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પતિ જીતેન્દ્ર, સસરા કાંતિભાઈ, સાસુ હંસાબહેન, દિયર રાજેશ, કાકા સસરા મોહનભાઇ અને જેરામભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી છે.

(5:20 pm IST)