Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ખેડા:બારેજા-ટોલ નજીક સ્થાનિક વાહન ચાલકોને જીવન જોખમે રોંગસાઇડમાં વાહન ચલાવવાની નોબત આવી

ખેડા:તાલુકાના અમદાવાદ તરફનાં છેલ્લાં ગામો પૈકી બીડજ, મારગિયા વાસણા, સારસા જેવાં ગામોના નાગરિકો માટે ખેડા અને બારેજામાં અવરજવર અનિવાર્ય છે. ગામોના  નાગરિકો માટે નાની મોટી ખરીદી, સરકારી કામો, બેન્કના કામકાજ, સંસ્થાઓના કે શૈક્ષણિક કામકાજ માટે ખેડા-બારેજામાં રોજિંદી અવરજવર કરવી પડે છે. ખેડા-બારેજા તરફ જતાં વાહનચાલકોએ બીડજ પાટિયા પાસેથી પસાર થવું પડે. વિસ્તારમાં રોજિંદી આવ-જા કરતા ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે બીડજ પાટિયા પાસેથી પસાર થતાં ટોલરોડ પર આવવા માટે ઘણો સમય વીતી જતો હોય છે. સંજોગોમાં વાહનચાલકોએ જીવના જોખમે ટોલરોડ વચ્ચેથી ક્રોસ કરીને બારેજા તરફ જતા રસ્તાની પટ્ટી પર ચડવું પડે છે. સ્થાનિકોએ જણાવ્યા પ્રમાણે સ્થાનિકોની અવરજવર વિશે ગણતરી કર્યા વગર  ટોલરોડ બનાવી દેવામાં આવ્યો છે. અહીંના ગ્રામ્ય વિસ્તારના લોકોએ જણાવ્યા પ્રમાણે ટોલરોડ બન્યો ત્યારથી સ્થાનિક ગ્રામજનોની અવરજનરને કે તેમના રોજિંદા વ્યવહારમાં જરૂરી માર્ગોને ધ્યાનામાં રાખવામાં નથી આવ્યા. રોડ ઉપર બીડજ, સારસા,કાજીપુરા, વડાલા જેવા પાટિયાઓથી અંતરિયાળ અનેક ગામોમાં જવાનો મુખ્ય રસ્તો હોવા છતાં ટોલરોડ કંપની દ્વારા અહીં પુલ, સર્વિસ રોડ કે ગરનાળા કશું બનાવવામાં નથી આવ્યું, જેના લીધે સ્થાનિક લોકોએ હાલાકી  ભોગવવી પડે છે. બેટડીલાટ અને વોટરપાર્ક જેવા સ્થળોએ બિનજરૂરી પુલ અને સર્વિસ રોડ આપવામાં આવ્યા છે.

વિસ્તારના જાગ્રત નાગરિકોએ આપેલી માહિતી પ્રમાણે ટોલરોડની તમામ કામગીરી કરાતી વખતે સ્થાનિકો લોકોની જરૂરિયાત વિશે વિચાર કરવામાં નથી આવ્યો. ટોલરોડ બનાવવાનાં આયોજનમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોને અંધારામાં રાખ્યા હોવાનું અહીંના લોકો જણાવી રહ્યા છે. પરિણામે અહીંના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રોજિંદી અવરજવર કાયમી દોજખ સમાન બની ગઈ છે. ઉપરોક્ત તમામ સ્થળોએ સર્વિસ રોડ હોવાથી ગામના પાટિયાઓની આજુબાજુ અનેક વાહનોએ રોજિંદા વ્યવહાર માટે  રોંગસાઈડ પર વાહનો હંકારવા પડે છે. તે કારણે રસ્તાઓ પર અવારનવાર અકસ્માતો સર્જાય છે. સમસ્યાઓને ધ્યાનમાં રાખી ટોલરોડ કંપની દ્વારા રોંગસાઈડનાં વાહનો અટકાવવા અને સર્વિસ રોડ વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

(5:12 pm IST)