Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ગુજરાતના છ શહેરોમાં ડ્રોન દેખાતા ભયનો માહોલ

મોરબી - સુરેન્‍દ્રનગર સહિત : ડ્રોન દ્વારા ચોરી અને છોકરાઓને ઉપાડી જવાની ફેલાય છે અફવા

અમદાવાદ તા. ૯ : ‘‘નાના નાના હેલીકોપ્‍ટર ઉડે છે અને છોકરાઓને લઇ જાય છે. ધાડ કે ચોરી કરી જાય છે.'' ગુજરાતના છ જિલ્લાઓ, ખોડા, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્‍દ્રનગર અને આણંદમાં આવી અફવા ઝડપભેર ફેલાઇ રહી છે જેના કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે અને પોલીસને એલર્ટ કરાઇ છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સારસવણી ગામમાં આવી અફવા એક મહિનાથી ફેલાયેલી છે. ગ્રામજનોનો દાવો છે કે, તેમણે આકાશમાં ડ્રોન ઉડતા જોયા છે જે ચાર અથવા બાળકોને ઉપાડી જનારા લોકો દ્વારા ઉડાડવામાં આવે છે.

સારસવણી ગામના રહીશ અશ્વિન ચૌહાણે કહ્યું કે, બે મહીના પહેલા અહીંથી બે ભેંસ ચોરાયા પછી આ અફવા ચાલુ થઇ હતી. ત્‍યારથી એ અફવા શરૂ થઇ છે કે ડ્રોન દ્વારા ગેંગ ગામડામાં ફરે છે અને બાળકોને ઉપાડી જાય છે. કેટલાક ગ્રામજનોએ રાત્રે ડ્રોની ઝબુક ઝબુક થતી લાઇટો જોઇ અને તેઓ કહે છે કે ગુંડાઓ આ ડ્રોન દ્વારા ચોરી કરવા અને બાળકોને ઉપાડી જવા માટે તેમના પર નજર રાખી રહ્યા છે.

મહેમદાવાદના ઇન્‍સ્‍પેકટર એન. ડી. નકુમે કહ્યું કે સમજણના અભાવ અને ખોટી માહિતીના કારણે આ અફવાઓ ફેલાઇ રહી છે. હાલમાં જ દેશભરમાં એક ડ્રોન ફેસ્‍ટીવલ ઉજવાયો હતો. જેમાં ભાગ લેનારાઓએ પોતાના ડ્રોન ઉડાડયા હતા અને આ ગ્રામજનોએ તેમને ગુંડાઓના ડ્રોન ગણી લીધા હતા. નકુમે કહ્યું કે, અમે આવી અફવાવાળા ગામોમાં પોલીસો મોકલ્‍યા છે અને અમારી પેટ્રોલ ટીમને ત્‍યાં નિયમીત રીતે મોકલીએ છીએ.

(11:34 am IST)