Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ગાંધીનગરના સે-30માં છઠ્ઠા નીચે પટકાતા યુવાનનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૩૦માં આવેલી સરકારી વીર સાવરકરનગર વસાહતના છઠ્ઠા માળના મકાનની ગેલેરીમાંથી ગઇકાલે રાત્રે યુવાન નીચે પાર્ક કરેલી કાર ઉપર પટકાયો હતો અને ધડાકાભેર અવાજ આવતા આસપાસના વસાહતીઓ બહાર દોડી આવ્યા હતા. ગંભીરરીતે ઘવાયેલા આ યુવાનનું મોત નિપજ્યું હતું આ ઘટના અંગે સે-૨૧ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, સેક્ટર-૩૦માં આવેલી વીર સાવરકરનગર વસાહતમાં રહેતા ૩૫ વર્ષિય પ્રકાશભાઇ હરજીભાઇ મકવાણાના પરિવારમાં માતા-પત્નિ અને એક પુત્રીનો સમાવેશ થાય છે તેમની માતા સરકારી કર્મચારી છે. ગઇકાલે રાત્રીના સમયે તેમની પત્નિ રસોઇ કરી રહી હતી તે દરમિયાન પ્રકાશભાઇ બહાર ગેેલેરીમાં ઉભા હતા આ જ સમયે ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો અને તેમની પત્નિ બહાર દોડી આવ્યા હતા જેથી નીચે જોતા પ્રકાશભાઇ નીચે પાર્ક થયેલી કાર ઉપર પડયા હતા જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે સે-૨૧ પોલીસને જાણ કરવામાં આવતા જમાદાર દિલીપભાઇ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.  

(6:15 pm IST)