Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઠાસરા તાલુકામાં તલાવડીમાં અસહ્ય લિલ ફરી વળતા હજારો માછલીઓના મોત:લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ઠાસરા : ઠાસરા નગરના પાલિકાના વાંકે નિર્દોષ માછલાઓને જીવ ખોવાનો વારો આવ્યો છે. નગરની એક તલાવડીમાં અસહ્ય લીલ ફરી વળતા પાણીમાં રહેલા અસંખ્ય માછલાઓ મરણ ગયેલ છે. જેને કારણે પાણીમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધ ને કારણે રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વળી સ્થાનિકોને ગંભીર  રોગચાળો ફેલાવવાનો ભય પણ સતાવી રહ્યો છે. 

આ અંગે વારંવાર પાલિકામાં અનેકવખત રજૂઆતો કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.  ઠાસરા પાલિકાના વોર્ડ નં. ૬માં ભુલી તલાવડી આવેલી છે. આ તલાવડીની આસપાસ રહેણાંક મકાનો આવેલા છે. ઉપરાંત પોલીસ ચોકી, પીડબલ્યુડી સ્ટોર, શિવાલય અને શાળાઓ  પણ આવેલા છે.

વળી સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી આ તલાવડીની કોઇપણ જાતની સફાઇ કરવામાં આવતી નથી. પરંતુ છેલ્લાં પંદર દિવસથી આ તલાવડીમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઇ રહી છે. જો તલાવડી ખાલી કરવામાં આવે તો અંદર અસંખ્ય ૧૦ કિલોના વજનવાળા માછલાઓ મરણ ગયેલ મળી આવે તેમ છે. વળી અન્ય જીવજંતુઓ પણ મરણ ગયેલ છે. તલાવડીની કેટલીક જગ્યાએ તો મરણ ગયેલ માછલાઓ પાણીમાં તરતા પણ જોવા મળી રહ્યા છે. આ પાણીની સપાટી લીલીછમ બની ગઇ છે. પાણી પર મોટી માત્રામાં લીલ છવાઇ ગઇ છે. જેને કારણે પાણીમાં રહેલો ગંદવાડ જોઇ શકાતો નથી. 

(6:17 pm IST)