Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સુરતના અઠવા ગેટ વિસ્તારમાં યોગ શિક્ષિકાનો ફોન હેક કરી ભેજાબાજે 1.10 લાખ ખંખેરી લેતા પોલીસ ફરિયાદ

સુરત: અઠવા ગેટ વિસ્તારમાં રહેતા યોગ શિક્ષીકાને જીયો કંપનીનો મોબાઇલ હેક કરી ભેજાબાજે વ્હોટ્સએપ પરથી આર્થિક જરૂરિયાતના નામે મેસેજ કરી પાંચ મિત્રો પાસેથી રૂ. 1.10 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાય છે. અઠવા ગેટ સ્થિત પ્રિયા હોટલ નજીક ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા આર્ટ ઓફ લિવીંગ સંસ્થાના યોગ શિક્ષીકા ફાલ્ગુની મહેશ નાણાવટી (ઉ.વ. 49) પર બે દિવસ અગાઉ જીયો કંપનીમાંથી કોલ આવ્યો હતો. કોલ કરનારે ફાલ્ગુનીબેનને કહ્યું હતું કે જીઓ કંપનીનમાં તમારો રીપોર્ટ આવ્યો છે કે તમારો મોબાઇલ બરાબર ચાલતો નથી. જેથી તમે 401 8404975609 ડાયલ કરો. ફાલ્ગુનીએ નંબર ડાયલ કરતા વેંત મોબાઇલ ફોન હેક થઇ ગયો હતો અને તેમના વ્હોટ્સએપ થકી ફાલ્ગુનીના નામે રૂપિયાની માંગણી કરતા મેસેજ તેના મિત્રોને કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ભેજાબાજે કેનેરા બેંક અને ઝ્યાન સીંગના એક્સીસ બેંકના એકાઉન્ટમાં ફાલ્ગુનીના મિત્ર ડિમ્પલ પાસેથી રૂ. 25 હજાર, અશોકભાઇ પાસેથી રૂ. 30 હજાર, ઓમ પ્રકાશભાઇ પાસેથી રૂ. 25 હજાર, એકતા પાસેથી રૂ. 20 હજાર અને ભાવેશ પાસેથી રૂ. 10 હજાર મળી કુલ રૂ. 1.10 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેથી ફાલ્ગુનીએ આ અંગે ઉમરા પોલીસમાં અરજી કરી હતી.

(6:18 pm IST)