Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પાલડી વિસ્તારમાં ધોળે દિવસે બંદુકની અણીએ લુંટ :તિજોરીમાંથી લાખોની લૂંટ કરી ત્રણ આરોપી ફરાર

બંને ઘરઘાટી મહિલાને બંધક બનાવી ડ્રોઇંગ રૂમમાં બેસાડી લૂંટારુઓએ તિજોરીમાંથી રોકડ રકમ 50,000 તેમજ અલગ-અલગ સોના ચાંદીના દાગીનાઓ મળીને લાખોની લૂંટને અંજામ આપ્યો

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સોસાયટીના બંગલામાં ૩ અજાણ્યા શખ્સોએ ઘરમાં રહેલા બે ઘરઘાટી બહેનોને બંદૂક  બતાવી સોફા પર બેસાડી દીધા હતા અને લાખો રૂપિયાની લુંટને અંજામ આપી ગણતરીની મિનીટોમાં ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે પાલડી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે જેમાં આધારે પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 ભર બપોરે પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સોસાયટીનાં બંગલામાં રહેતા અલ્પનાબેન દાણી કે જે ગાંધીનગર ખાતે ઈલેક્ટ્રીક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે અને જેમના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતા હિનાબેન વાઘેલા અને રાખીબેન શાહ હાજર હતા તે સમયે ત્રણ લૂંટારૂઓ રિવોલ્વર જેવું હથિયાર લઈને બંગલામાં ઘૂસ્યા હતા.

આ બંને મહિલાને બંધક બનાવી ડ્રોઇંગ રૂમમાં બેસાડી દીધા હતા. જે બાદ લૂંટારુંઓએ તિજોરીમાંથી રોકડ રકમ 50,000 તેમજ અલગ-અલગ સોના ચાંદીના દાગીનાઓ મળીને લાખો રૂપિયાની લૂંટને અંજામ આપી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે આમર્સ એક્ટ અને લુંટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને ઘરઘાટી મહિલાને બંદી બનાવી ગણતરીની મિનીટોમા 3 લૂંટારુ ફરાર થઈ ગયા હતા. જોકે ફરિયાદીએ પોલીસને જાણ કરતાં પાલડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા સીસીટીવી ફુટેજમાં બાઈક ઉપર ત્રણ લૂંટારાઓ ઝડપથી પસાર થતા કેદ થયા હતા જેના આધારે પોલીસે આરોપી સુધી પહોચવા તપાસ હાથ ધરી છે.

બીજી તરફ ફરિયાદી અને બંધક બનાવેલ બંને ઘરઘાટીની ઉલટ તપાસ પણ શરૂ કરી છે. જોકે ફરિયાદીનુ કહેવુ છે કે તેમના ઘરમાંથી 15 લાખથી વધુની મત્તા લૂંટાઈ છે અને જ્યારે ફરિયાદી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ત્રણેય લૂંટારાઓને પણ તેના ઘરેથી નાસતા જોયા હતા. જેથી ફરિયાદીએ પણ લૂંટારાને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સામે રિવોલ્વર જેવુ હથિયાર બતાવી લૂંટારુ ફરાર થઈ ગયા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસે અલગ અલગ મુદ્દાઓને આધારે તેમજ સીસીટીવીના  આધારે વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ સમગ્ર ઘટનાક્રમ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અલગ અલગ ટીમો કામે લગાડી લૂંટારૂઓને પકડવા માટે કવાયત હાથ ધરી છે, ત્યારે જોવાનું રહ્યું કે લૂંટારાઓ પોલીસની ગિરફતાર ક્યારે આવે છે

 

(7:17 pm IST)