Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કોરોના સંક્રમણ વધતા તકેદારી જરૂરી, પણ વેપાર ધંધાનો ભોગ ન લેતા : MSME ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને સુચનો

રાજકોટ તા. ૧૦ : ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીશ્રીઓને પત્ર લખી રાજયમાં કોરોના સંક્રમણમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે અને નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે રાજય સરકારે ધાર્મિક મેળાવડાઓ, રાજકીય સભાઓ, સામાજીક કાર્યક્રમો પર અંકુશ લગાવી અવેરનેસ પ્રોગ્રામો યોજી પ્રજા માસ્ક પહેરે, સોસીયલ ડિસ્ટન્સ જાળવે અને કોરોનાના નિયમોનું સખત પાલન કરાવવા સુચનો કરેલ છે.

અત્યારે રાજયમાં ઉદ્યોગો, ધંધા-રોજગાર, ટ્રાન્સ્પોર્ટીંગ, ઇન્ફ્રાસ્ટ્ર્કચર, રોજગારલક્ષી કામો પુરજોશથી ચાલુ છે. હવે જો લોકડાઉન આવશે તો પ્રજા સહન નહિ કરી શકે. કોરોનાને લીધે ધંધા-રોજગાર, ઔદ્યોગિક એકમો બંધ થશે તો રાજયમાં ખુબ મુશ્કેલી ઉભી થશે. રાજયની આર્થિક પરિસ્થિતિ ઉપર ખુબ ગંભીર અસર થશે. શ્રમજીવીઓને વેતન નહિ મળે તો રાજયમાં બેકારી  વધી શકે છે, શ્રમજીવીઓ જો પલાયન કરશે તો ઔદ્યોગીક એકમો ચલાવવામાં ભારે મુશ્કેલી ઉભી થશે. શ્રમજીવીઓને મફત અનાજ વિતરણ કરવાથી ઘર ચાલવાનું નથી. આ પરિસ્થિતિ  અર્થતંત્ર માટે પ્રાણદ્યાતક પુરવાર થઈ શકે તેમ છે. રાજયમાં ઉદ્યોગો, ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ ચાલશે તો સરકારને રેવન્યુ પ્રાપ્ત થશે, લોકોને રોજગારી મળશે, ઔદ્યોગીક એકમો પર નિયંત્રણો લાદવામાં આવશે તો સરકાર આર્થિક પરિસ્થિતિમાં ભીડાઈ જશે અને વહીવટી ક્ષમતા નહિવત થઈ જશે.

ધુમાં જણાવ્યું છે કે હાલ કર્ફયુનો સમય રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધીનો કર્યો છે તેમાં થોડો ફેરફાર કરીને રાત્રિના ૧૨ થી સવારના ૫ સુધીનો કરી શકાય કે જેથી દૂધવાળા હોય, શાકભાજી વેચનારા હોય, ખેતીવાડી તેમજ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ માટે અને ટ્રાન્સપોર્ટમાં લોડિંગ- અનલોડીંગ થતું હોય તેઓને કોઇ વાંધો ન આવે. તદુપરાંત ઔદ્યોગિક એકમોમાં બે શિફ્ટમાં કામ કરતા શ્રમજીવીઓને કોઈપણ પ્રકારની પોલીસની કે ચેકીંગ બાબતની અન્ય હેરાનગતિ કે કનડગતના રહે. ઉદ્યોગો માટે કાચો માલ, તૈયાર માલ, એક્ષપોર્ટ માટેનો માલ માટે ચાલતી ટ્રાન્સપોર્ટની ગાડીઓ કે જેમાં મજૂરો, ડ્રાઈવરો, કલીનરો, હેલ્પરો હોય છે તેમને રોકવામાં ના આવે તેમજ કોઈપણ પ્રકારની કનડગત વગર પરિવહન માટે તેમને જવા દેવી જોઈએ. કોઈપણ ફેકટરીના વર્કર, સ્ટાફ પોતાનું આઈ-કાર્ડ બતાવીને ફેકટરીમાં ઇમરજન્સી કામ માટે જતા હોય, એક્ષપોર્ટનું ડિસ્પેચ હોય ત્યારે ફેકટરીના સ્થળે જતા- આવતા પોલીસ કે અન્ય કનડગત ના રહે તે જોવાની જવાબદારી સરકારની છે. તેમજ વ્યકિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે અનાજ- કરિયાણું, દૂધ- શાકભાજી વિગેરે બંધ ના રહે તેની તકેદારી રાખવાની ખાસ જરૂર હોવાનું મગનભાઇ પટેલે અંતમાં સુચન કરતા જણાવેલ છે.

(2:49 pm IST)