Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

અમદાવાદમાં રહેતા ખેડૂતની જમીનમાં તોડ કરવા બદલ પૂર્વ સરપંચ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

ગાંધીનગરગાંધીનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાની ફરિયાદો વધી રહી છે ત્યારે અમદાવાદમાં રહેતાં ખેડૂતની મોટી આદરજ ખાતે આવેલી જમીનમાં તોડ કરવાના ઈરાદે પૂર્વ સરપંચે ૧૯૯૧ના સ્ટેમ્પ પેપર ઉપર જમીન માલિકોનું ૧૯૭૧નું લખાણ દર્શાવીને જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ જિલ્લા કલેકટર કચેરીમાં કરવામાં આવી હતી. જેના અંતે પેથાપુર પોલીસ મથકમાં મોટી આદરજના પૂર્વ સરપંચ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.  

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં નવા વાડજ ખાતે ખોડીયાર કૃપા બંગલોઝમાં રહેતા અને મુળ વિજાપુર તાલુકાના કોલવડા ગામના રહેવાસી વિષ્ણુભાઈ અંબાલાલ પ્રજાપતિ ઈંટોના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે મોટી આદરજ ગામે સર્વે નં.૯૭૪/ર નવો સર્વે નંબર ૧૮૫૩ વાળી જમીન દસ્તાવેજથી વારસદારો પાસેથી ખરીદી હતી. જે જમીન મોટી આદરજ ગામે રહેતા વિનુજી ઠાકોર વાવતા હતા. જો કે મોટી આદરજ ગામમાં રહેતાં પૂર્વ સરપંચ લાલાજી શંકરજી ઠાકોરે આ જમીન વાવવાની ના પાડી હતી અને જમીનમાંથી નીકળી જવા ધમકી આપી હતી. જેથી આ મામલે પેથાપુર પોલીસ મથકમાં અરજી પણ આપી હતી. ત્યારે જમીન સંદર્ભે વિષ્ણુભાઈએ લાલાજીનો સંપર્ક સાધતા તેમણે પાંચ રૃપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ બતાવ્યું હતું. જેમાં તેમના પિતાએ જમીન મુળ માલિકો પાસેથી વેચાણ રાખી છે.જો કે ૧૯૯૧માં લાલાજી શંકરજી ઠાકોરે સ્ટેમ્પ વેન્ડર પાસેથી સ્ટેમ્પ ખરીદયો હતો અને લખાણ પ માર્ચ ૧૯૭૧નું દર્શાવ્યું છે. જેથી ખોટુ લખાણ ઉભુ કરીને જમીનમાં તોડ કરવા માંગતા હોવાનું ધ્યાને આવ્યું છે. તે સમયે પાંચ હજાર રૃપિયા પણ તેમને આપ્યા હતા અને લખાણ પણ લીધું હતું. ત્યારબાદ વિષ્ણુભાઈએ જમીનનો દસ્તાવેજ કરાવી લેતા હવે ફરીથી જમીન ઉપર લીટીગેશન ઉભુ કરવા માટે આ ખોટો દસ્તાવેજ રજુ કર્યો હતો. આ મામલે જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી અને સુનાવણીના અંતે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવાની મંજુરી મળી હતી. હાલ પોલીસે મોટી આદરજના પૂર્વ સરપંચ લાલાજી શંકરજી ઠાકોર સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. 

(5:26 pm IST)