Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

યોગી આદિત્‍યનાથના ગુરૂભાઇ દેવનાથે મહિલાના નામનો ઉપયોગ કરી સોશ્‍યલ મીડિયામાં ફોલોઅર્સ વધાર્યાનો કોંગ્રેસના નેતા બી.વી. શ્રીનિવાસનો આક્ષેપ

ટ્‍વીટર પર સક્રિય રહેતા યોગી દેવનાથની યોગી આદિત્‍યનાથ સાથેની તસ્‍વીરો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર ગજબનો કિસ્સો વાયરલ થયો છે. ભાજપના યોગી દેવનાથે મહિલા બનીને ફોલોઅર્સ મેળવ્યાનો આરોપ ઉઠ્યો છે. યોગી દેવનાથ એ યોગી આદિત્યનાથના ગુરુભાઈ છે. યોગી દેવનાથ અગાઉ મિતાલી શાહ નામે એકાઉન્ટ ઘરાવતા હોવાનો દાવો કરાયો છે. વેરિફિકેશન માટે સાચા નામ અને ફોટોનો ઉપયોગ કરતાં વાત સામે આવી છે. યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે આ અંગે પોસ્ટ મૂકતા ખળભળાટ મચી ગયો છએ. તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને યોગી દેવનાથ પર નિશાન સાધ્યું છે. તેઓએ આરોપ મૂક્યો કે, યોગી દેવનાથને મિતાલીબેન ખોટું નામ રાખીને ફોલોઅર્સ વધારતા શરમ નથી આવતી. મિતાલીબેન ખોટું ફોટોશોપ કરીને શું મળે છે તમને? સાથે જ તેમણે ફેક્ટ ચેકર ઝૂબેરની પોસ્ટને ટેગ કરીને પ્રહાર કર્યા છે

હિંદૂ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ચર્ચામાં રહે છે. લોકો તેમને ગુજરાતના યોગી ગણાવે છે. યોગી દેવનાથની તસ્વીરો ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનથાન સાથે પણ ખુબ વાયરલ થાય છે. યોગી દેવથાન પોતે પણ ટ્વીટર પર એટલા જ સક્રિય રહે છે. તેઓ સતત પોસ્ટને અને તસ્વીરો શેર કરતા રહે છે. મહત્વનું છે કે 8 લાખ 51 હજાર ફોલોઅર્સ થતાં યોગી દેવનાથે દિલથી બધાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ફોલોઅર્સ નહીં પરંતુ મારા પરિવારનો હિસ્સો છે. પરંતુ હવે તેમના પર મહિલાના નામે ફોલોર્સ મેળવ્યાનો આરોપ ઉઠ્યો છે.

કોણ છે યોગી આદિનાથ

યોગી દેવનાથ ગુજરાત હિંદુ યુવા વાહિનીના પ્રભારી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તેમની કેટલીક તસ્વીરો ખૂબ વાયરલ થઇ રહી છે. જેના કારણે તે ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમની તસ્વીરો ગુજરાતના યોગીના નામે ટ્વીટર પર ધડાધડ વાયરલ થવા લાગી ત્યારે તેઓ માધ્યમોના પણ ધ્યાન આવ્યા હતા. તેઓ કચ્છ સંત સમાજના અધ્યક્ષ છે અને અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય પણ છે. લગભગ 25 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ એકલધામ આશ્રમના મહંત પણ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, નાથ સંપ્રદાય સાથે સંકળાયેલા યોગી દેવનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના ગુરૂભાઇ છે. યોગી દેવનાથ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં મજબુત પકડ ધરાવે છે. તેથી કચ્છ જિલ્લાના રાપરની વિધાનસભા સીટ પરથી તેમને ટિકિટ મળે તેવી પણ ચર્ચા ઉઠી હતી. આ અગાઉ તેઓ સપ્ટેમ્બરમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમનું ટ્વીટ વાયરલ થયું હતું. જેમાં તેમણે લખ્યું કે, 8,51,000 ફોલોઅર્સ થવા પ્રસંગે તમામ ચાહકોનો આભાર. આ ફોલોઅર્સ નહી પરંતુ મારા પરિવારનો હિસ્સો છે. તમારો એક બહેનને આ રીતે જ પ્રેમ મળતો રહે તેવી આશા. બહેન શબ્દ મુદ્દે લોકોમાં કુતુહલ વ્યાપ્યું હતું. જો કે ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમનું ટ્વીટર હેક થયું હતું.

(5:18 pm IST)