Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અરહમ બન્યો દુનિયાનો સૌથી નાની ઉંમરનો કોમ્પ્યુટર પ્રોગ્રામર : શકિતશાળી પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજ એકઝામ કિલયર કરી

અમદાવાદના ૬ વર્ષના બાળકે વિશ્વના એન્જિનિયરોને ચોંકાવી દીધા : ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ તા. ૧૦ : ૬ વર્ષના આ નાના બાળકે કોમ્પ્યુટરની દુનિયામાં એવું કારનામું કરીને બતાવ્યું છે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. અરહમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાના સૌથી યુવાન કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે દાખલ કરવામાં આવ્યું છે.

અરહમ તલસાનિયાએ ૬ વર્ષની ઉંમરમાં શકિતશાળી પાયથન પ્રોગ્રામિંગ ભાષા પરીક્ષાને કિલયર કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા ૨૩ જાન્યુઆરી ૨૦૨૦એ માઇક્રોસોફટ દ્વારા સત્તાવાર પિયર્સન વ્યૂ ટેસ્ટ સેન્ટરમાં આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષાને અનેક એન્જિનિયરો દ્વારા ક્રૈક કરવું મુશ્કેલ છે, પરંતુ અરહમે આ કરી બતાવ્યું.

અરહમ પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક સાત વર્ષીય મુહમ્મદ હમઝા શહઝાદના પહેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. એક પરીક્ષામાં જયાં ઉમેદવારને પ્રતિષ્ઠિત પ્રમાણ પ્રાપ્ત કરવા માટે ૧૦૦૦માંથી ૭૦૦ પોઇન્ટ જરૂરી હતા, અરહમે ૯૦૦ પોઇન્ટ મેળવ્યા હતા અને તેણે માઇક્રોસોફટ ટેકનોલોજી એસોસિએટના રૂપમાં માન્યતા મળી છે.

અમદાવાદમાં રહેતા અરહમના માતા-પિતા ઓમ તલસાનિયા પોતે સોફટવેર એન્જિનિયર છે અને તેમની પત્ની તૃપ્તિ તલસાનિયા લેકચરર અને એન્જિનિયર છે. આજે તેમના માટે ખુબજ ખુશીનો દિવસ છે કારણ કે ૬ વર્ષના દિકરાએ દુનિયાનો સૌથી નાનો કોમ્પ્યુટર પ્રોગ્રામર હોવાનું ગૌરવ મેળવ્યું છે.

અંદાજે ૨ વર્ષની ઉંમરથી અરહમને કોમ્પ્યુટર સાથે ઘણો લગાવ હતો જે આગળ જઇને વધુ વધ્યો. જયારે તેમના પિતા ઘરેથી કામ કરી રહ્યા હતા ત્યારે અરહમ પોતાના પિતાની સાથે ઘણુ શીખતો હતો. પછી અરહમે પોતાના પપ્પાથી ખુદ વીડિયો ગેમ બનાવવાની ઇચ્છા વ્યકત કરી. દિકરાની આ દિલચસ્પીને પિતા સમજી ગયા હતા. કારણ કે દીકરો સારી વસ્તુ ખુબ ઝડપથી શીખી પણ રહ્યો હતો તેવામાં તેમના પિતાએ માઇક્રોસોફટની પરીક્ષા અપાવવાનો નિર્ણય લીધો.

(12:59 pm IST)