Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ભાજપને ર૦૧૭માં ૯૯ બેઠકો મળેલ, હવે સંખ્યાબળ વધીને ૧૧૧

ગૃહમાં કોંગીના ૬પ ધારાસભ્યોઃ ૧ અપક્ષઃ ર બીટીપી, એન.સી.પી., ર બેઠકો વિવાદમાં

રાજકોટ, તા. ૧૦ :. આજે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. તમામ આઠેઆઠ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. આજના પરિણામથી વિધાનસભામાં પક્ષવાર મજબૂતીમાં સીધી અસર આવી છે. ભાજપનુ સંખ્યા બળ વધીને ૧૧૧ થયુ છે.

ડીસેમ્બર ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને માત્ર ૯૯ બેઠકો મળેલ. સમયાંતરે કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો પૈકી મોટા ભાગમાં ભાજપની જીત થઈ છે. આ વખતની પેટાચૂંટણી પૂર્વે વિધાનસભામાં ૧૮૨ પૈકી ભાજપની ૧૦૩ બેઠકો હતી. આજે ૮ બેઠકોમાં ઉમેરા સાથે ભાજપનું સંખ્યા બળ તીન એક્કા (૧૧૧) થયુ છે. કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો યથાવત રહ્યા છે. બે ધારાસભ્યો ભારતીય ટ્રાયબલ પાર્ટીના છે. એક અપક્ષ અને એક એનસીપીના ધારાસભ્ય ચૂંટાયેલા છે. મોરવાહડપ અને દેવભૂમિ દ્વારકા વિધાનસભાની બેઠકમાં કાનૂની વિવાદ છે.

આજે તમામ ૮ બેઠકો જીતીને ભાજપે ઈતિહાસ સર્જી દીધો છે. પક્ષપલ્ટાની રાજનીતિને મતદારોએ સ્વીકૃતિ આપી છે. ભવિષ્યમાં પ્રસંગોપાત કોંગ્રેસના વધુ કોઈ ધારાસભ્યોના રાજીનામા પડે તો નવાઈ નહિ.

(4:13 pm IST)