Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

1995થી ગુજરાતની બધી ચૂંટણીઓમાં પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ દાખવ્‍યો, અમારા પક્ષનો મુદ્રાલેખ પ્રજાની સેવા અને ભારત માતાની ભકિત છેઃ નીતિનભાઇ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતની વિધાનસભા પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર ભાજપને મળેલા વિજય અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે 1995થી ગુજરાતની બધી ચૂંટણીઓમાં પ્રજાએ ભારતીય જનતા પક્ષ પર જ વિશ્વાસ દાખવ્યો, આ વખતે પણ પ્રજા અમારી સાથે રહી. કોરોનાના રોગચાળા અને લોકડાઉન વચ્ચે અને અનલોક વગેરેની વચ્ચે પણ પ્રજાને મદદરૂપ થવાનું કામ ભારતીય જનતા પક્ષ છે. અમારો પક્ષ ફક્ત રાજકીય પક્ષ નથી, તેનો મુદ્રાલેખ પ્રજાની સેવા છે અને ભારત માતાની ભક્તિ છે.

આમ ભારત માતાની ભક્તિ અને અમારા દ્વારા અવિરત જારી રહેલો સેવાયજ્ઞ તથા પ્રજાકીય કાર્યો અમને ફળ્યા છે. આ ચૂંટણી તે અમે કરેલા કાર્યોનો જનાદેશ છે. અમારા લાખો કાર્યકરોની રાતદિવસની મહેનતની સાથે અગ્રણી નેતાઓના માર્ગદર્શનથી આ વિજય મેળવ્યો છે.

પ્રજા ગામડાની હોય, નાના શહેરની હોય કે મોટા શહેરની હોય તે ઉમેદવારને જુએ છે, તેને પરખે છે, તેના કાર્યોને નીહાળે છે, તેના સારા રેકોર્ડને અને તેની કામગીરીને જોઈને મત આપે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જીતેલા ઉમેદવારો મંત્રી બનશે કે નહી તે અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આ અંગે રાષ્ટ્રીય નેતાગીરી નિર્ણય કરશે.

આ અંગે સીએમ અને પ્રદેશ પ્રમુખે આદેશ આપ્યો છે કે આ અંગે હાલમાં કોઈ ચર્ચા નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્થાનિક કાર્યકરથી લઈને સ્થાનિક કોર્પોરેટર સરકારની દરેક યોજના લોકો સુધી પહોંચાડશે અને તેના આધારે તેમની પાસેથી મત માંગશે. દર વખતની જેમ ગુજરાતની પ્રજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જ સેવા કરવાની તક આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(5:15 pm IST)