Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સુરતમાં ટેક્‍સટાઇલ ડિઝાઇનર રજનીકાંત ચૌહાણે પત્‍નીની હત્‍યા કર્યાનું ખુલ્‍યુઃ આત્‍મહત્‍યામાં ખપાવવા પ્રયાસ કર્યો પરંતુ સાળીને શંકા જતા આખો ભાંડો ફૂટયો

વારંવાર નાની-નાની બાબતોમાં થતા ઝઘડાએ મોટુ સ્‍વરૂપ લીધુ

સુરત: સુરતમાં એક ટેક્સટાઇલ ડિઝાઇનરે પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીને હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નીની બહેને શંકા જતા આખો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે પતિની ધરપકડ કરી છે અને પત્નીની હત્યાનો ગુનો નોંધ્યો છે.

સુરતના અડાજણના માધવ પાર્કમાં ખાતે આ ઘટના બની હતી. જેમાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા રજનીકાંત છીતુભાઈ ચૌહાણ એક ટેક્સટાઈલ કંપનીમાં ડિઝાઈનર તરીકે કાર્યરત છે. 51 વર્ષીય રજનીકાંતના પરિવારમાં પત્ની રાજશ્રીબેન (46 વર્ષ) અને 17 વર્ષનો દીકરો છે. નાનકડા એવા આ પરિવારમાં રોજ ઝઘડા થતા હતા, નાની નાની બાબતોને લઈને રજનીકાંત અને પત્ની રાજશ્રીબેન અવારનવાર ઝઘડી પડતા હતા. ત્યારે એક તરફ દિવાળીની ઉજવણી ચાલી રહી હતી ત્યારે રજનીકાંતે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ લઈ લેતા તેણે પત્ની સાથે મારપીટ પણ કરી હતી. આખરે તેણે કોટનની દોરીથી ફાંસો આપીને પત્નીની હત્યા કરી હતી.

જોકે, ઠંડા કલેજે પત્નીની હત્યા કર્યા બાદ રજનીકાંતે આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લોહી સાફ કરીને તમામ પુરાવા નાશ કર્યા હતા. એટલુ જ નહિ, તેણે તમામ સંબંધીને ફોન કરીને જાણ કરી હતી કે, તેની પત્નીએ આત્મહત્યા કરી છે. જોકે, સમગ્ર ઘટના મામલે રાજશ્રીબેનના બહેનને શંકા ગઈ હતી.

રાજશ્રીબેનના બહેન પ્રતિમાબેન આર્મીમાં ફરજ બજાવે છે. તેમણે બહેનની હત્યા થયા હોવાની શંકા પોલીસ સામે કરી હતી. જેથી પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતુ. આ બાદ પતિનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યુ હતું કે, પત્નીની હત્યા કર્યા બાદ તેની બોડીને વાળથી ખેંચીને નીચે હોલમાં લાવી પુરાવાઓનો નાશ કર્યો હતો.

(5:38 pm IST)