Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ખેડા જિલ્લાના નાગરિકો માટે જનસુવિધા અને સુખાકારીમાં ૨૮૫.૪૨ કરોડના વિકાસકામોની ભેટ ધરતાં મુખ્યમંત્રી

સૌના સાથ અને સૌના વિકાસ મંત્ર સાથે રાજય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે આગળ વધી રહી છે: કિસાન સૂર્યોદય યોજનાના હેઠળ આ માસના અંત સુધીમાં ૪૦૦૦ ગામોને દિવસે વીજળી મળતી થશે

અમદાવાદ :મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે,  ગુજરાતનો વિકાસ એ જ અમારી સરકારનું લક્ષ છે. સૌના સાથ અને સૌના વિકાસ મંત્ર સાથે રાજય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસની પ્રતિબધ્ધતા થી આગળ વધી રહી છે.

   આ સંદર્ભમાં મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે નાણાં અભાવે વિકાસનું કોઇ કામ  અટકવાનું નથી. રાજય સરકાર દ્વારા વિકાસકામો માટે પુરતી નાણાંકીય જોગવાઇ કરી સુવ્‍યવસ્‍થિત આયોજન દ્વારા વિકાસની ગતી આગળ વધતી રહી છે. જેને પરિણામે રોજ દિવસ ઉગેને રાજયમાં કરોડો રૂપિયાના લોકાર્પણ – ખાતમુહૂર્તના કામો થઇ રહયા છે. 

વિજયભાઈ રૂપાણી એ નડિયાદ ખાતે ખેડા જિલ્લાના નાગરિકો માટે પીવાના પાણી માટે ૮૧.૭૦ કરોડની પાણી પુરવઠા યોજના સહિત રૂ.૧૮૫.૧૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર બાવન વિકાસકામોનું ખાતમુહૂર્ત  તેમજ રૂ.૧૦૦.૩૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું ખેડા જિલ્લામાં મુખ્ય મંત્રીશ્રી એ કુલ રૂ. ૨૮પ.૪૨ કરોડના ૧૨૯ વિકાસકામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું

  મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે રાજયમાં તા.૧૬ જાન્‍યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થશે.રસીકરણ માટે રાજય સરકાર દ્વારા સુવ્‍યવસ્‍થિત આયોજન કરવામાં આવ્‍યું છે.તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું આગામી વર્ષ-૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળથી જળ પહોંચાડવાનું સ્‍વપ્‍ન છે રાજય સરકારે આ સંકલ્‍પને વર્ષ-૨૦૨૨ સુધીમાં સાકાર કરવા રાજયમાં દર માસે એક લાખ ઘરોને નળ આપવાના લક્ષ્‍યાંક સાથે કામ ચાલી રહ્યું છે.
મુખ્‍યમંત્રીએ ખેડૂતોને સિંચાઇ માટે રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબકકાનો રાજયમાં પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ માસના અંત સુધીમાં ૪૦૦૦ ગામોને દિવસે વીજળી મળતી થઇ જશે તેમ તેમણે ઉમેર્યું હતું.  મુખ્‍યમંત્રીએ  જણાવ્‍યું કે રાજયમાં ઇજનેરી કૌશલ્‍ય દ્વારા ખેડૂતોને સિંચાઇ તેમજ નાગરિકોને પીવાનું શુધ્‍ધ પાણી પહોંચા ડવાનું ભગીરથ કામ સરકારે  કર્યું છે.  કોંગ્રેસના શાસનમાં માત્ર ૨૬ ટકા લોકોને જ નળથી પાણી મળતું હતું. આજે રાજયમાં ૮૨ ટકા લોકોને નળથી જળ મળી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
    મુખ્‍યમંત્રીએ  કહ્યું કે કોરોના મહામારી વચ્‍ચે પણ રાજયની વણથંભી વિકાસયાત્રા અવિરત ચાલુ રહી છે. રાજયમાં ૨૫ હજાર કરોડના વિકાસ કામોનું લોકાપર્ણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું છે. ગુજરાત આજે સમગ્ર ભારતનું રોલ મોડલ બન્‍યું છે.   મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, અગાઉ કોંગ્રેસના શાસનમાં ગુજરાતનું કુલ બજેટ માત્ર રૂપિયા આઠ હજાર કરોડનું હતું જયારે વર્ષ-૨૦૨૦માં અમારી સરકારનું બજેટ રૂપિયા બે લાખ દસ હજાર કરોડ છે. અગાઉ પાણી પુરવઠા વિભાગમાં માત્ર ૪૦૦ કરોડની ફાળવણી કરવામાં આવતી હતી તેની સામે અમારી સરકારે દરેક વિભાગમાં ઓછામાં ઓછા ૧૫ હજાર કરોડની ફાળવણી કરી છે.

     મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં વિકાસ કામો માટે નાણાંનો કોઇ પ્રશ્ન જ નથી. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં સરકારી તિજોરી પર ભ્રષ્‍ટાચારના કાણાં હતા અને ભ્રષ્‍ટાચારનો પંજો કાયમ છવાયેલો હતો તેને પરિણામે વિકાસ રૂંધાયો હતો. અમારી સરકારે પ્રજાના પરસેવાના એક-એક રૂપિયાનો સદઉપયોગ કરી ઇમાનદારી અને પારદર્શી વહીવટ દ્વારા સમગ્ર રાજયમાં વિકાસના કામો હાથ ધર્યા છે.

 મુખ્‍યમંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કેન્‍દ્રમાંથી એક રૂપિયો મોકલવામાં આવતો પરંતુ લોકો સુધી પહોંચતા ૮૫ પૈસા ઘસાઇ જતા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કેન્‍દ્રમાંથી એક રૂપિયો મોકલે છે અને પુરેપૂરો રૂપિયો વિકાસ કામોમાં વપરાય છે.    કોંગ્રેસે દેશમાં વર્ષો સુધી શાસન કર્યું, પરંતુ લોકોને પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ પહોંચાડી નહોતી તેમ જણાવતાં મુખ્‍ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્‍વમાં આજે દેશના પ્રત્‍યેક ઘરમાં શૌચાલય, વીજળી, આવાસ, ગેસ જેવી પાયાની પ્રાથમિક જરૂરિયાતો પહોંચાડવામાં આવી છે.
  મુખ્‍ય મંત્રીએ  રાજય સરકારે  ખેડૂતો માટે વ્‍યાપક નિર્ણયો કરી સાત પગલાં ખેડૂત ભૂમિકા આપી રાજય સરકારે છેલ્‍લા ચાર વર્ષમાં ટેકાના ભાવે રૂા.૧૭ હજાર કરોડની ખેડૂતો પાસેથી ખેત પેદાશોની ખરીદી કરી હતી. મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે મહિલાઓ સ્‍વાવલંબી બને તે માટે રાજયની દશ લાખ સખીમંડળની મહિલાઓને રૂપિયા એક લાખનું ધિરાણ શૂન્‍ય ટકા વ્‍યાજે આપવાની મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજના અમલમાં મૂકી છે.  
 રાજયના શહેરોમાં મલિન જળને શુધ્‍ધ કરવા માટે સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ બનાવવામાં આવી રહ્યા છે. જેને કારણે ગટરના ગંદા પાણીને શુધ્‍ધ કરી ખેડૂતોને સિંચાઇ માટે તેમજ ઔદ્યોગિક ગૃહોને આપવામાં આવે છે.  રાજય સરકારે કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિને વધુ અસરકારક બનાવવા ગુંડા એકટ, લેન્‍ડ ગ્રેબિંગ એકટ બનાવવામાં આવ્‍યા છે. એટલું જ નહી રાજયમાં ભ્રષ્‍ટાચાર શિષ્‍ટાચાર ન બને તે માટે એન્‍ટીકરપ્‍શનના કાયદા વધુ મજબૂત બનાવવામાં આવ્‍યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.      
     મુખ્‍યમંત્રીએ રાજયમાં મહેસુલી સેવાઓને વધુ પારદર્શિ બનાવવા માટે મહેસુલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું. અગાઉ કોંગ્રેસના શાસનમાં વિકાસ કામોમાં લોટ, પાણી અને લાકડાં જ હતા. પરંતુ અમારી સરકારે કામ કરવાની પધ્‍ધતિ બદલી જેને પરિણામે રાજયમાં સુવ્‍યવસ્‍થિત રીતે વિકાસ કામો થઇ રહયા છે.  આજે  રાજયની સરકારી કચેરીઓને કોર્પોરેટ ઓફિસ જેવો લુક આપવામાં આવી રહયો છે. 

        ગુજરાત વિધાનસભાના મુખ્‍યદંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું કે ખેડા જિલ્‍લામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-મુહૂર્ત થતા જિલ્‍લાના વિકાસને વધુ વેગ મળશે. નડિયાદના નગરજનોને આગામી માર્ચ માસથી જળશુધ્ધિકરણ પ્‍લાન્‍ટનું શુધ્‍ધ પાણી મળશે. નડિયાદ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

    જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે જણાવ્‍યું હતું ક ઠાસરા ગળતેશ્ર્વર જુથ પાણી પુરવઠા યોજના સાકાર થતા ૩૭ ગામો, ૮૬ પરાની ૧.૨૫ લાખ વસતિને પીવાનું શુધ્‍ધ પાણી મળશે. ખેડા જિલ્‍લો આજે વિકાસની હરણફાળ ભરી રહયો તેમ તેમણે ઉમેર્યું હતું.

સાંસદ દેવુસિંહ ચૌહાણે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની સહજતા-સરળતાની પ્રશંસા કરતા જણાવ્‍યું કે ખેડા જિલ્‍લાને પાયાની જરૂરીયાતના વિકાસના કામ તો મળ્યા છે પણ કોરોનાના કાળમાં ત્‍વરિત નિર્ણય લઇ ગરીબ-જરૂરિયાતમંદની ખૂબ મોટી સેવા કરી છે. ખાસ તો ગરીબોને આઠ મહિના મફતમાં અનાજ પહોચાડયું અને ખાનગી હોસ્‍પિટલમાં કોરોનાગ્રસ્‍તોને પણ મફતમાં સારવાર પૂરી પાડી છે.
 આ પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્‍ય અર્જુનસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.  પ્રારંભમાં સૌનો આવકાર કરતા પાણીપુરવઠા બોર્ડના સભ્‍ય સચિવ મહેશભાઇ મહેતાએ જણાવ્‍યું કે રાજય સરકારે પીવાના પાણીને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપી છે.   આ પ્રસંગે સાંસદરતનસિંહ રાઠોડ, પક્ષઅગ્રણી જયસિંહ ચૌહાણ, જહાન્‍વીબેન પટેલ, ધારાસભ્‍ય  કેસરીસિંહ સોલંકી, અમુલના ચેરમેન રામસિંહ પરમાર, પદાધિકારીઓ, કલેકટર આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ગઢવી સહિત નગરજનો હાજર રહયા હતા.

(7:06 pm IST)