Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

હવે, ગુજરાતની જેલોમાં રહેલ સિનિયર કેદીઓને બુસ્ટરડોઝ આપવા ભારે ધમધમાટ

જેલમાં લાવતા પહેલા કોરોના ટેસ્ટ માટેના પરિપત્રનો ચુસ્ત અમલ કરવા પણ સૂચનાઓ, આત્મ નિર્ભર બનાવતા જેલ ઉદ્યોગો માટે પણ સાવચેતી સાથે ટર્ન ઓવર જાળવી રાખવામાં આવશેઃ કેદીઓમાં કોરોના લક્ષણ દેખાય તો તુરત આઇસોલેટેડ વોર્ડમાં ખસેડવા માટે તમામ તૈયારીઓ કરી છે, ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ સાથે અકિલાની વાતચીત

 રાજકોટ તા.૧૧, કોરોનાની ત્રીજી લહેર અને ઓમીક્રોનના લબકારા વચ્ચે ગુજરાત સહિત રાજ્યભરમાં ચિંતાનાં મોજા સાથે સાવચેતીના પગલાંઓ ભરવા સાથે સિનિયર સિટીઝન અને ફ્રન્ટલાઈન વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવાના પગલે પગલે ગુજરાતની વિવિધ જેલોમાં રહેલ સિનિયર કેદીઓને પણ બુસ્ટર ડોઝ આપવાની  તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તુરત પ્રારંભ થનાર હોવાનું ગુજરાતના સિનિયર આઇપીએસ અને એડી જી લેવલના જેલ વડા ડૉ.કે.એલ.એન.રાવ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ છે. તેઓ દ્વારા વિશેષમાં અન્ય કેદીઓમાં પણ કોરોના મહામારીના લક્ષણો જોવા મળે તો તેમને જેલમાં ઉભા કરવામાં આવેલ આઈસોલેટેડ  વોર્ડમાં શિફટ કરી તેમને જરૂરી દવા અને ખોરાક મળે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

 અત્રે યાદ રહે કે બીજી લહેરમાં ગુજરાતની વિવિધ જેલોમાં થયેલ કોરોના સંદર્ભેની કામગીરીની નોંધ રાષ્ટ્રિય લેવલે લેવામાં આવી હતી. એટલુ જ નહિ ડો.કે.એલ.એન.રાવ દ્વારા રાજ્યના તત્કાલીન મુખ્ય પોલીસ વડા સાથે ખાસ બેઠક કરી જેલમાં કેદીઓને લાવતા પહેલા તેમના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ જેલમાં લાવવા માટે રાજ્ય ભરની પોલીસને સૂચના આપતો પરિપત્ર બહાર પડાવેલ જેં જાણીતી બાબત છે, આ બાબતે પણ ફરીથી કાળજી લેવા સબંધક જેલ સુપ્રિ.ઓને સૂચના આપવામાં આવી હોવાનું પણ ડો.કે.એલ. એન.રાવ. દ્વારા વિશેષમાં જણાવવામાં આવેલ. ગુજરાતની જેલોમાં કેદીઓને આત્મ નિર્ભર બનાવવા ચાલતા ઉદ્યોગને અસર ન થાય અને ટર્ન ઓવર જળવાઈ રહે તેવું આયોજન પણ ઘડી કાઢવામાં આવ્યું હોવાનું જેલ સૂત્રો ઉમેરે છે.

(2:34 pm IST)