Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

હવે પોલીસ વિભાગમાં પણ નો-રીપીટ થિયરી !

રાજયમાં સૌથી ખરાબ કામગીરી કરતા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલાશે

સૌથી બદનામ પોલીસ સ્ટેશનમાં રાઈટરથી માંડીને PI સુધીનો સ્ટાફ બદલી નખાશે

અમદાવાદ, તા.૧૧: રાજયમાં હવે પોલીસ વિભાગમાં પણ નો રીપિટ થિયરી લાગુ પડશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સૌથી બદમાન પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલી દેવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગર સહિતની મેગા સિટીમાં ટૂંક સમયમાં કવાયત હાથ ધરાશે તેવું જાણવા મળ્યું છે. આ અંગે ગૃહવિભાગે રાજયના તમામ પોલીસ સ્ટેશનનો વિગતો મંગાવી છે. જેથી સૌથી ખરાબ કામગીરી કરતા પોલીસ સ્ટેશનમાં રાઈટરથી માંડીને પીઆઈ સુધીનો સંપૂર્ણ સ્ટાફ બદલી નાખવામાં આવશે. ચોક્કસ વિસ્તારોના પોલીસ સામે આવી રહેલી સતત ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સૌથી વધુ આક્ષેપો થાય છે તે પોલીસ તંત્રની છાપ સુધારવા માટે હવે ગૃહ વિભાગ આકરાં પગલાં લેવા જઇ રહ્યું છે. શહેરી વિસ્તારોમાં જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી સહિતની અસામાજિક પ્રવૃત્ત્િ।ઓ ફુલીફાલી હશે તેવા બદનામ પોલીસ સ્ટેશનોનો સંપૂર્ણ સ્ટાફ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક મોટા શહેરોમાં કેટલાક પોલીસ સ્ટેશનો બદનામ થઇ ચૂકયા છે.એનો મતલબ એ છે કે તે વિસ્તારોમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્ત્િ।ઓ થતી હોય છે. જેથી આ પ્રકારની પ્રવૃત્ત્િ।ઓને નાબૂદ કરવા માટે સૌપ્રથમ પોલીસ તંત્રમાં સુધારો લાવવા માટે આ નક્કી કરવામાં આવ્યું છે. સૌપ્રથમ સુરતથી આ ડ્રાઇવ શરૂ થશે અને બાદમાં અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ઘણીવાર એવું પણ સામે આવ્યું છે કે, પોલીસ સ્ટેશનના પીઆઇ બદલવાથી સ્થિતિ બદલાતી નથી કેમ કે તેના હાથ નીચેનો સ્ટાફ આવી પ્રવૃત્તિમાં મદદરૂપ હોય છે. તેથી આવા પોલીસ સ્ટેશનોની યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યાં PI, PSI, રાઇટર, હેડ કોન્સ્ટેબલથી માંડીને ડ્રાઇવર સહિતનો તમામ સ્ટાફ બદલી નાંખવામાં આવશે.

(3:13 pm IST)