Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વડોદરાના હાથીખાના વિસ્તારમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે થયેલ ઝઘડાએ મારામારીનું સ્વરૂપ ધારણ કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: હાથીખાના વિસ્તારમાં નજીવી બાબતે  બે  પરિવાર વચ્ચે ઝઘડો થતા મારામારી થઇ હતી.જે અંગે બંને પક્ષે સામસામે  ફરિયાદ નોંધાવી છે.

હાથીખાના મીઠા ફળિયામાં રહેમત ફ્લેટમાં રહેતા સીકંદરખાન અમીરખાન  પઠાણ ચપ્પલ બનાવવાનો ધંધો કરે છે.તેણે સિટિ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે બપોરે ચાર  વાગ્યે મારી બહેન હમીદા તથા પિતા વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી.હું મારી બહેન સાથે ઘરની બહાર જતો  હતો.તે સમયે મારા મકાનના ઉપરના ભાગે રહેતા સાદાબ શબ્બીરભાઇ કુરેશીએ મને ગાળો બોલી કહ્યું હતું કે,તમે કેમ ઝઘડો કરો છો ?તે સમયે તેનો ભાઇ સુફિયાન પણ આવી ગયો હતો.તે બંનેએ મને માર માર્યો હતો.દરમિયાન મહોલ્લાના માણસો આવી જતા મને વધુ મારમાંથી છોડાવ્યો હતો.

જ્યારે સામાપક્ષે  શાદાબ શબ્બીરભાઇ કુરેશીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું આઇ.ડી.બી.આઇ.ફર્સ્ટ  બેન્કમાં નોકરી કરૃં છું.ગઇકાલે અમારા ઘરની નીચે રહેતા સીકંદરખાન,તેના પિતા અને બહેન જોરજોરથી ઝઘડો કરતા હતા.મારા માતા બીમાર હોય,હું તેઓને કહેવા ગયો હતો.તે દરમિયાન તેઓએ મને  ગાળો બોલી તમાચા ચોડી દીધા હતા.સિટિ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:28 pm IST)