Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

હત્યા કરનારા ત્રણ દોષિતોને નડિયાદ જિલ્લા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી

પ્રગતિનગર સોસાયટીમાં રહેતા એક જ પરિવારના સભ્યો વચ્ચે ખૂની ખેલ ખેલાયો : સાઢું ભાઈને પોતાની પત્ની સાથે પારિવારિક બાબતે ઝઘડો થયો હોઈ આરોપીએ મનદુખ રાખી પોતાના મિત્રો સાથે મળી હત્યા લાશ કેનાલમાં ફેંકી દીધી હતી

નડિયાદ: શહેરના પ્રગતિનગર સોસાયટીમાં રહેતા એક જ પરિવારના સભ્યો વચ્ચે વર્ષ 2017 માં ખૂની ખેલ ખેલાયો હતો. આ અથડામણમાં હત્યા કરનારા 3ને જિલ્લા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે.

સાઢું ભાઈને પોતાની પત્ની સાથે પારિવારિક બાબતે ઝઘડો થયો હોઈ આરોપીએ તેનું મનદુખ રાખી પોતાના મિત્રો સાથે મળી સાઢુભાઈને રીક્ષામાં બેસાડીને કેનાલ પર લઈ જઈને માથામાં પાઈપના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. જે બાબતે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.  સમગ્ર કેસ જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો .

સમગ્ર ઘટનાને 4 વર્ષ પુરા થવા આવ્યા છે, ત્યારે કોર્ટે ઘટનાની સુનાવણી કરતા 3 આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ .30 હજારનો દંડ ફટકાર્યો છે. નડિયાદ શહેરના પ્રગતિ નગર સોસાયટીમાં રહેતા નવિનભાઈ જયંતીભાઈ ઠાકોર આરોપી કમલેશભાઈ મનસુખભાઈ પરમારના સાઢુભાઈ થતા હોઈ અને કમલેશભા પત્નિ સપના સાથે નવીનભાઈ ને ઝગડો થયો હોઈ કમલેશભાઈને તે વાત મનમાં લાગી આવી હતી.

બદલાની આગમાં તે આકુળ વ્યાકુળ બની ગયો હતો , અને તા .23 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 6 વાગ્યે નવિનભાઈ ને પોતાની રીક્ષા નં.જીજે.07.વાયવાય .1427 માં બેસાડી કોલેજ રોડ પર આવેલ કેનાલ પર લઈ ગયો હતો . જ્યાં અગાઉથી જ બોલાવી રાખેલ નવઘણભાઈ મનસુખભાઈ પરમાર , સોહિલભાઈ રફિકભાઈ શેખ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે મળી કમલેશે નવિનભાઈને ગળદા પાટુનો માર મારીને માથામાં લોખંડની પાઈપ મારી હત્યા કરી નાંખી હતી.

જે બાદ પોતાના મિત્રો સાથે મળી મૃતકની લાશને કેનાલમાં ધસમસતા વહેતા પાણીમાં નાખી દીધી હતી. સમગ્ર ઘટના બાબતે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જે અંગેનો કેસ જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.જી.બ્રહ્મભટ્ટ અને ગોપાલ વી.ઠાકુર દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવા અને કરવામાં આવેલ દલીલોને ગ્રાહ્ય રાખતા જજ . ડી.આર.ભટ્ટએ આરોપી 1. કમલેશ પરમાર , 2.નવઘણ પરમાર અને સાહીલ શેખને આજીવન કેદની સજા સંભળાવી છે. તેમજ દરેક રૂ .25 હજારનો દંડ અને દંડ ના ભરે તો વધુ 1 વર્ષની કેદની સજા તથા કલમ 201 ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા તથા રૂ .5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

(7:34 pm IST)