Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

લવ જેહાદ અને ડ્રગ્સના મામલે વડીલોની ભૂમિકા મહત્ત્વની: બદલાતી દિનચર્યા પર રાખો નજર :સુરત રેન્જના આઈજીપી રાજકુમાર પાંડિયન

દીકરો કે દીકરી અવળા રસ્તે જતા જોવા મળે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરો. પોલીસ અત્યંત ગુપ્તતા જાળવશે.નામ કોઈ જગ્યાએ ચર્ચામાં ન રહે તેની ખાસ કાળજી રાખશે.

સુરત :સરકાર પણ ચિંતીત છે તે લવ જેહાદ અને ડ્રગ્સના મામલે વડીલોની ભૂમિકા મહત્ત્વની હોવાનું સુરત રેન્જના આઈજીપી ડો. એસ.પી. રાજકુમારે (રાજકુમાર પાંડિયન) કહ્યું હતું. વડીલોની ભૂમિકા પછી પોલીસની પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા હોવાનું પણ તેમણે કહ્યું હતું.વાતને વિગતે સમજાવતા તેમણે કહ્યું કે કોઇપણ પરિવારમાં દીકરો હોય કે દીકરી જો તે કોઈ આડા રસ્તે ચડી જાય તો તેની દિનચર્યામાં ફેરફાર જોવા મળે છે.

જેનો સૌથી પહેલો અનુભવ આ સંતાનની માતાને થાય છે. પરિવારના તમામ સભ્યો આ વર્તણૂકથી વાકેફ થાય છે. જેમ કે કોઈ યુવાન દીકરી જો કોઇના પ્રેમમાં ગળાડૂબ હોય તો તે પોતાનો મોબાઇલ એક સેકન્ડ પૂરતો પણ રેઢો ન મૂકે, છાને ખૂણે વાતો કરે, અલગ અલગ બહાના બતાની ઘરમાંથી બાર

નીકળવાનો પ્રયાસ કરે આ અને આવી અનેક વર્તણૂકથી માતા-પિતાને તેમજ પરિવારજનોને ખ્યાલ આવી જ જતો હોય છે કે તેમની યુવાન પુત્રી અવળે રસ્તે છે. પણ, સમાજમાં માન મોભો નહીં જળવાઈ એવા ડરના કારણે કોઈ આગળ આવવાની હિંમત કરતું નથી.

આવું જ ડ્રગ્સના મામલે પણ છે. યુવાન દીકરો કે દીકરી જરૂર કરતા વધારે નાણાંનો ખર્ચ કરવા લાગે, જરૂર પડે ઘરમાંથી નાંણાની ચોરી કરે, ખોટું બોલી બહાર જાય, ઘરેથી કોલેજે જવા નીકળે ને પછી કોલેજે પહોંચે જ નહીં. આ અને આવાં અનેક ઉદાહરણો છે કે જેનાથી પરિવારજનોને ખ્યાલ આવી જાય છે.

આવું કોઇ પણ પરિવારમાં થતું હોય, દીકરો કે દીકરી અવળા રસ્તે જતા જોવા મળે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરો. પોલીસ અત્યંત ગુપ્તતા જાળવશે. તમારું નામ કોઈ જગ્યાએ ચર્ચામાં ન રહે તેની ખાસ કાળજી રાખશે. તમારાં સંતાનને સમજાવશે. સાચો રસ્તો બતાવશે. પોલીસ પાસે જવામાં ડર રાખવાની જરૂર નથી. પોલીસ પણ પ્રજાની મિત્ર છે. જેથી કોઈ પણ જાતના ખચકાટ વગર પોલીસનો સંપર્ક કરો, પોલીસની મદદ લો, પોલીસ આ કામ ગુપ્ત રીતે કરી આપશે.

(12:01 am IST)