Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

મહાનગર પાલીકાની ચૂંટણી તો સિર્ફ ઝાંકી હૈ, અભી બહોત કુછ બાકી હૈ

‘આપ'ને ઉભરતું કરવા ‘કોંગ્રેસ'ને પાડી દેવાના ખેલ ?

એક (ની સાથે અંદરખાને અનેક) આગેવાનની ચૂંટણીમાં મહા રાજરમતઃ કોંગ્રેસને સપોર્ટ કરી અંદરખાને તેને જ પાડી દેવાની ઉચ્‍ચ કોટીના કારીગરોએ જબરા પાસા ગોઠવ્‍યાઃ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં હજુ કેટલાયના પત્તા ખૂલવાના બાકી

રાજકોટ,તા.૧૦: ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ઉમેદવારોના નામ પણ ફાઈનલ થઈ ગયા છે. ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલુ છે. ઉમેદવારો શેરીએ ગલીએ જઈ નાનામાં નાના વ્‍યકિતને બે હાથ જોડી મત આપવાની માંગ કરી રહ્યા છે. ઉમેદવારો ચૂંટણી સુધી મતદારોનો બોલ ઝીલશે, જીત્‍યા બાદ પાંચ વર્ષ સુધી યાદ પણ નહિ કરે. આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આપ અને એનસીપી પણ મેદાનમાં છે. ઉમેદવારે જીત માટે પગના તળીયા ઘસવા પડશે. એડીચોટીનું જોર લગાવવું પડશે. દર વખતની જેમ આ વખતે પણ ટિકિટ મેળવવા માટે દરેક પક્ષોમાં ભારે ધમાલ જોવા મળી હતી. નારાજ નેતાઓના રીસામણા- મનામણા ચાલુ જ છે.

દરમિયાન આ વખતે આમઆદમી પાર્ટીને ગુજરાતમાં પગપેસારો કરાવવા માટે કોંગ્રેસને પાડી દેવાના જબરા ખેલ ચાલી રહ્યાનું જાણવા મળે છે. લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ એક દિગ્‍ગજ નેતા (અને તેની સાથે અનેક હોદ્દેદારો) સંપૂર્ણ રીતે કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યા છે. જયારે અંદરખાને વાત જ કંઈક જુદી છે. અંદરખાને કોંગ્રેસ જ પાડી દેવાના ખેલ ચાલી રહ્યા હોવાની વાતો ચર્ચાય છે. જબરી મહારાજ રમત ચાલી રહી છે.

લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ રાજકોટ, અમદાવાદ, સુરતમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ નાટકીય રીતે ફોર્મ પાછા ખેંચી લીધા છે. તેમાં પણ આ જ દિગ્‍ગજ નેતા અને તેના સાથીઓના ભેજાની કરામત હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે રાજકોટમાં પણ જબરો ખેલ ખેલાઈ ગયો હતો. બે વોર્ડના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થઈ ગયા.

જયારે વોર્ડ નં.૧૪ના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા આમ ચૂંટણી પહેલા જ રાજકોટમાં કોંગ્રેસે બે બેઠકો ગુમાવી દીધી છે. આવા જ ખેલ અમદાવાદ અને સુરતમાં પણ ખેલાયા હોવાનું જાણવા મળે છે.

આમ, ચૂંટણી અગાઉ કોંગ્રેસના ઉમેદવારોને ખેડવી નાખવામાં આવ્‍યા. આવી જ રીતે હવે નગરપાલીકાઓની ચૂંટણીઓ પણ આવી રહી છે. તેમાં પણ આ જ દિગ્‍ગજો આ જ પ્રમાણેની ફોર્મ્‍યુલા અપનાવાય તેવું સ્‍પષ્‍ટપણે લાગી રહ્યું છે.

પ્રદેશકક્ષા સુધી પહોંચ ધરાવતા આ નેતાઓ બહારથી પૂરેપૂરો કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ અંદરખાને તેને જ ખોખલી કરવા મથી રહ્યા છે.

એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એક ચોકકસ જ્ઞાતિના આગેવાનો ‘‘આપ''માં જોડાયા છે અને છેલ્લા ઘણા સમયથી તેમાં સક્રીય છે. અમુકે તો ચૂંટણીમાં પણ ઝંપલાવ્‍યું છે. આ ઉમેદવારોને જીતાડવા પૂરેપૂરા પ્રયત્‍નો ચાલી રહ્યા છે. એક ચોકકસ પ્રકારના ચોકઠા ગોઠવાઈ રહ્યા છે.

કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણી અગાઉ જ ઉમેદવારોને ખેડવી નાખ્‍યા બાદ નગરપાલીકાની ચૂંટણીમાં પણ ઉમેદવારો જાહેર થયા બાદ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ફોર્મ રદ્દ થઈ જશે કે રદ્દ કરી દેવામાં આવશે?

વર્ષો જુની કોંગ્રેસ પાર્ટીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જેવા સક્ષમ નેતાની ગુજરાતમાં જરૂર છે. ઉપલા લેવલથી નીચલા લેવલ સુધી ફેરફાર કરવાની જરૂર છે. ગુજરાતમાં ખરેખર કોંગ્રેસને બેઠુ કરવું હોય તો સક્ષમ નેતાના એક આદેશથી હોદ્દેદારોથી માંડી કાર્યકરોની ટીમ એકજુથ બની કામ કરવા લાગે. કોંગ્રેસ એક બનીને ચૂંટણી લડશે તો જ સત્તા હાંસલ કરી શકશે નહિં તો...

(4:42 pm IST)