Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અમદાવાદના સાબરમતી સહિતના વિસ્‍તારોના કોંગ્રેસ નિરીક્ષક પ્રફુલ શાહ ઉપર ઉશ્‍કેરાયેલા કાર્યકરનો હૂમલો

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ કોંગ્રેસની ચિંતા વધી રહી છે. કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મામલે ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે અને ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ટિકિટ ફાળવણીથી નારાજા કાર્યકર્તાઓ દ્વારા નિરિક્ષક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ દહેગામના અને અમદાવાદમાં સાબરમતી સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ વતી નિરિક્ષક તરીકેની જવાબદારી સંભાળતા પ્રફુલભાઇ શાહ સાબરમતી પોલીસ સ્ટેશન નજીક આવેલી હોસ્પિટલમાં પોતાના ડૉક્ટર મિત્રને મળવા માટે પહોંચ્યા હતા. જેની જાણ થતાં કોંગ્રેસના નારાજ કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેમની સાથે માથાકૂટ કરી હતી.

નારાજ કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે, પ્રફુલભાઈના ઈશારે કોંગ્રેસે તેમના માનીતાને ટિકિટ આપી છે. આ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા કેટલાક કાર્યકર્તાઓએ પ્રફુલભાઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેમને મોં પર 8 ટાકાં આવ્યા હતા. આ બાબતની જાણ થતાં કોંગ્રેસના અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને નારાજ કાર્યકર્તાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

(5:15 pm IST)