Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

સત્તામાં આવ્‍યાના 24 કલાકમાં કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિંગની પ્રથા નાબુદીની શરૂઆત કરીશુ, કોર્પોરેશનમાં ખાલી જગ્‍યાઓની ભરતી પ્રક્રિયા ચાલુ કરીશુઃ કોંગ્રેસ દ્વારા ‘શપથપથ' જાહેર

ગાંધીનગર: ગુજરાતની 6 મહાનગર પાલિકા માટે આગામી 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આજે શપથ પત્ર તરીકે મહાનગર પાલિકા માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ટેક્સમાં રાહત સહિત અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે મનપા માટે શપથ પત્ર જાહેર કર્યું હતું. જેમાં લખવામાં આવ્યું છે કે, “હું કોંગ્રેસના જવાબદાર કાર્યકર અને વચનના પાક્કા ગુજરાતી તરીકે આજે શપથ લઉં છું કે, કોર્પોરેશનમાં સત્તામાં આવતાં જ આ પત્રક માં લખેલા એક એક શબ્દનું પાલન કરીશ. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે

આ અવસરે અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં કોર્પોરેશનમાં વર્ષોથી ભાજપનું શાસન છે. આમ છતાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ઊંચો ટેક્સ ભર્યા છતાં પણ ગટર, પાણી, રસ્તા જેવી પ્રાથમિક જરુરિયાત માટેની ફરિયાદો કરવા છતાં પણ લોકોને નિરાશા સાંપડે છે. અમને ભાજપના નેતાઓની જેમ ખોટા વાયદાઓ કે ભાષણ કરતા નથી આવડતું, પરંતુ સાચા અર્થમાં લોકોની સમસ્યાનું નિવારણ કંઇ રીતે થાય? તે માટે આજે કોંગ્રેસ શપથ પત્ર લઇને આવી છે.

લાંબા સમયના ભાજપના શાસન બાદ પણ ગુજરાતની પ્રજા જે ટેક્સ ભરી રહી છે, તેની સામે તેમને સુવિધાઓ નથી મળી રહી. ગુજરાતની જનતા સાથે જે ખોટું થઈ રહ્યું છે તે અમે સાચું કરીશું. તેમજ ગુજરાતની જનતાનો જે હક્ક છે તે ગુજરાત કેમ્પેન દ્વારા અમે તેમને અપાવીશું. આ સંકલ્પ પત્ર એ અમારું વચન નહીં, પરંતુ શપથ પત્ર છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની મોટી વાતો

1. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ સુવિધાઓ સ્કીમસ માટે ગુજરાઇટ કાર્ડ આપવામાં આવશે

2. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ની પ્રથા નાબૂદી ની શરૂઆત કરીશું..

3. સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરીશું..

4. એકસીડન્ટ અને ફાયર ઈમરજન્સી માટે હેલિકોપ્ટર દ્વારા પવનપુત્ર એર ઇમર્જન્સી સેવા શરૂ કરીશું..

5. શહેરના જાહેર માર્ગોઉપર એર પ્યુરીફાયર લગાવીશું.

6. અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ આપીશું..

7. સત્તામાં આવ્યા ના એક સપ્તાહમાં શહેરના તૂટેલા રસ્તાઓનું પુનઃ નિર્માણ શરૂ કરીશું.

8. કોરોના કાળમાં આર્થિક નુક્સાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું..

9. ઘર વેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું.

10. સમગ્ર શહેરમાં વરસાદના પાણીના નિકાલ માટે એક્સપર્ટની મદદ લઇ વિશ્વસ્તરીય સર્વિસ કોરિડોર બનાવીશું.

11. તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહનપાર્કીંગ આપીશું..

12. તમામ શહેરોમાં ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવામાં આવશે..

(5:16 pm IST)