Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ભર ઉનાળે નર્મદા ડેમમાં પાણીની સપાટી વધીને 120 મીટર પહોંચી: વિજ ઉત્પાદનમાં થશે ફાયદો

હાલ સરદાર સરોવરમાં 1221.62 મિલિયન ક્યુબીક મીટર જથ્થો:નર્મદા ડેમની જળ સપાટી 3 દિવસમાં 2 મીટર વધી 120 મીટરે સ્પર્શી

અમદાવાદ :આકરા ઉનાળા વચ્ચે વીજ અને પાણીની ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે માંગ વર્તાઈ રહી છે. મધ્યપ્રદેશની વીજળીની જરૂરિયાત ગુજરાત માટે નર્મદા ડેમમાં નવા નીરની આવક વધારવામાં કારગત નીવડી રહી છે.

નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા 3 દિવસમાં જ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની અવકના પગલે 2 મીટર વધીને 120 મીટરે પોહચી ગઈ છે. સરદાર સરોવરમાં હાલ જીવંત પાણીનો જથ્થો 1221.62 મિલિયન ક્યુબીક મીટર છે. જે ગત વર્ષની સરખામણી એ 19 % ઓછો છે પણ છેલ્લા 10 વર્ષની નર્મદા ડેમની સરેરાશ કરતા 2 % વધારે હોવાનું સેન્ટ્રલ વોટર કમિશનના બે દિવસ પેહલા ના જ વોટર બુલેટિનમાં ટાંકવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશમાં હાલ ઉપરવાસમાં આવેલા નર્મદા નદી પરના ડેમના પાવર હાઉસ ધમધમતા તેમાંથી ડિસ્ચાર્જ થઈ પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠલવાઇ રહ્યું છે. જેને લઈ 118 મીટર રહેલી ડેમની સપાટી હાલ 120 મીટર ઉપર સ્પર્શી છે.

નર્મદા ડેમના પણ રિવર બેડ અને કેનાલ હેડ પાવર હાઉસના જલવિધુત મથકોને જરૂરિયાત પ્રમાણે ધમધમતા કરાઈ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. RBPH 2847 અને CHPH 3813 ક્યુસેક પાણીનો વપરાશ કરી વીજ ઉતપન્ન કરી રહ્યું છે. ડેમમાં 22386 ક્યુસેક પાણીની આવક સામે જાવક 11 થી 12 હજાર ક્યુસેક નોંધાઇ રહી હોય સપાટી માં ધીમે ધીમે વધારો નોંધાઇ રહ્યો છે. મુખ્ય કેનાલમાં 3935 ક્યુસેક અને ગોડબોલે ગેટમાંથી ડાઉન સ્ટ્રીમ ભરૂચમાં નર્મદા નદીમાં 616 ક્યુસેક પાણી નો જથ્થો ઠલવાઇ રહ્યો છે. હાલ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ થકી રાજ્યમાં ખેતી, ઉદ્યોગો અને પીવા માટે પાણી પૂરું પાડવા સાથે વીજળી પણ પેદા કરાઇ રહી છે.

  •  

(9:38 pm IST)