Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

કાલે ગાંધીનગર પાસે અન્‍નપૂર્ણાધામ ટ્રસ્‍ટના શિક્ષણ સંકુલનું ઉદ્દઘાટનઃ હીરામણિ આરોગ્‍યધામનું ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ઓનલાઇન જોડાશે : કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી -પ્રદેશ પ્રમુખની હાજરી

રાજકોટ,તા. ૧૧: શ્રી અન્‍નપૂર્ણાધામ ટ્રસ્‍ટ સંચાલિત અડાલજ કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદ્દઘાટન તથા જનસહાયક ટ્રસ્‍ટના હીરામણિ આરોગ્‍યધામનું ભૂમિપૂજન કાલે તા. ૧૨ મંગળવારે સવારે ૯:૩૦ વાગ્‍યે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઓનલાઇન માધ્‍યમથી થશે. કાર્યક્રમ સ્‍થળ શ્રી સ્‍વામિનારાયણ ફાર્મ, શ્રી અન્‍નપૂર્ણા મંદિર સામે, અડાલજ -કોબા રોડ, મુ.અડાલજ, જિલ્લો ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સહિતના આગેવાનો હાજર રહેશે. તેમ બન્‍ને ટ્રસ્‍ટના પ્રમુખ સાંસદશ્રી નરહરિ અમીન તથા અન્‍ય ટ્રસ્‍ટીઓ બિપીનભાઇ પટેલ, રવજીભાઇ વસાણી, વરૂણ અમીન, આર.સી.પટેલ, નીતાબેન અમીન વગેરે જણાવે છે.
સ્‍વામિનારાયણ મંદિર ટ્રસ્‍ટ, અડાલજ દ્વારા આશરે ૧૫ કરોડની જમીન શ્રી અન્‍નપૂર્ણાધામ ટ્રસ્‍ટ, અડાલજને દાનમાં આપેલ છે. જેમાં શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્‍ટ અડાલજના પ્રમુખશ્રી નરહરિ અમીન, ચેરમેન શ્રી રવજીભાઇ વસાણી, મેને. ટ્રસ્‍ટીશ્રી બીપીનભાઇ પટેલ, અન્‍ય હોદ્દેદારો-ટ્રસ્‍ટીઓનાં માર્ગદર્શન હેઠળ લેઉવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી અન્‍નપૂર્ણા માતાનું પંચતત્‍વ આધારિત મંદિર આશરે ૭ કરોડના ખર્ચે બનાવવામાં આવ્‍યુ છે. ઉપરોકત જગ્‍યા પર જ ૬૦૦ વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની અધ્‍યતન સુવિધાયુકત જીપીએસસી, યુપીએસસીનાં ટ્રેનીંગ સેન્‍ટર, ઇ-લાઇબ્રેરી સાથેનું આશરે ૨૫ કરોડના ખર્ચે છાત્રાલય બનાવવામાં આવ્‍યું છે. ર્માં અન્‍નપૂર્ણાના મંદિરની પ્રાણપ્રતિષ્‍ઠા અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે થયેલ છે. આ મંદિરનું ખાતમુહૂર્ત તત્‍કાલીક મુખ્‍યમંત્રીશ્રી અને હાલનાં ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્‍તે સંપન્‍ન થયેલ છે. ૪૦૦ ચો.વારના પ્‍લોટ એરિયામાં ૯૨૭૮ ચો.વારના બાંધકામ એરિયામાં ૬૦૦ વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતું અદ્યતન સુવિધા સાથેના ૧૫૦ રૂમ બનાવવામાં આવ્‍યા છે. ૨૦૦ વિદ્યાર્થીની ક્ષમતા વાળી ઇ-લાયબ્રેરી, ૪૦ વ્‍યકિતની ક્ષમતા સાથેના ટ્રસ્‍ટી ગણ માટે કોન્‍ફરન્‍સ રૂમ, આઇ.એ.એસ., આઇ.પી.એસ.ની પરીક્ષા માટેના ૬૦ વિદ્યાર્થીની ક્ષમતાવાળા ૩ ટ્રેનીંગ સેન્‍ટર, ૨૦૦ વિદ્યાર્થી બેસીની જમી શકે તેવી ડાઇનિંગ વ્‍યવસ્‍થા, અદ્યતન સુવિધાની સજ્જ એર કંડીશન્‍ડ ૧૧ વીઆઇપી. ગેસ્‍ટ રૂમ તેમજ વિદ્યાર્થીઓ માટે સ્‍પોર્ટ્‍સ રૂમ, અને પ્રાથમિક આરોગ્‍ય સુવિધા સાથેની હોસ્‍ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે.શ્રી સ્‍વામિનારાયણ મંદિર અડાલજ અને શ્રી અન્‍નપૂર્ણાધામ ટ્રસ્‍ટ, અડાલજ દ્વારા નિમિત માં અન્નપૂર્ણા ભોજનાલયનું રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્‍તે અને પ્રમુખ અને સાંસદશ્રી નરહરિ અમીનની ઉપસ્‍થિતીમાં તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું. ર્માં અન્નપૂર્ણા ભોજનાલયમાં સવારે ૧૧ કલાકથી બપોરે ૨ વાગ્‍યા સુધીમાં ફકત રૂા. ૨૦માં સ્‍વાદિષ્‍ટ ભોજન આપવામાં આવે છે. દરરોજ રોટલી, બે-શાક તેમજ ભાત-દાળ આપવામાં આવે છે. ધાર્મિક પ્રસંગો/ તહેવારોનાં દિવસોમાં ફરસાણ તેમજ સ્‍વીટ પણ આપવામાં આવે છે. એક સાથે ૨૦૦ વ્‍યકિત જમી શકે તેવા ડાઇનીંગ હોલમાં અને ખુરશીની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. હાલ દરરોજ ૫૫૦ થી ૬૦૦ વ્‍યકિત ભોજનાલયમાં લાભ લ્‍યે છે.
 હીરામણિ આરોગ્‍યધામ
જન સહાયક ટ્રસ્‍ટ દ્વારા ર્માં અન્નપૂર્ણા મંદિર-હોસ્‍ટેલ અડાલજ ગાંધીનગર પાસે ૯૦૦૦ ચો.વા. જમીન પર રૂા. ૫૦ કરોડના ખર્ચે ૫૮,૦૦૦ ચો.ફુટના બાંધકામ સાથેનું હીરામણિ આરોગ્‍યધામ બનાવવાનો નિર્ણય ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યો છે.આ આરોગ્‍યધામમાં એક સાથે ૧૪ વ્‍યકિતઓના ડાયાલીસીસ થઇ શકે એવી સુવિધા ઉભી કરવામાં આવશે. ૨૪ કલાકમાં લોકોને બ્‍લડ મળી રહે તેવી અદ્યતન બ્‍લડ બેંક તેમજ ૨૪ કલાક સુવિધા સાથેની દવાની દુકાન, અદ્યતન પેથોલોજી લેબોરેટરી, સોનોગ્રાફી, મેમોગ્રાફી, એકસ-રે, ફિઝીશીયન કન્‍સલ્‍ટેશન, આઇ ચેક અપ, ડેન્‍ટલ ચેક અપ, ઇ.સી.જી. ઇકો કાર્ડીઓગ્રાફીની સુવિધા તેમજ અદ્યતન સાધનો સાથેનું ફીઝીયોથેરાપી સેન્‍ટર અને ડોકટરો માટે કન્‍સલ્‍ટીંગ રૂમ તેમજ અદ્યતન કેન્‍ટીનની સુવિધા પણ ઉભી કરવામાં આવનાર છેઆયુર્વેદ,હોમિયોપેથી, એકયુપંકચર, યોગા થેરાપી, ઓ.પી.ડી.રૂમ, અદ્યતન સુવિધા સાથેની એમ્‍બ્‍યુલન્‍સ વાન જેવી સુવિધાઓ સાથે હીરામણિ આરોગ્‍યધામ ડે-કેર સેન્‍ટર બનનાર છે. ડોકટર, નર્સ માટે સ્‍ટાફ કવાર્ટરની સુવિધા પણ ઉભી કરવામાં આવનાર છે. વિશાળ પાર્કિંગ સુવિધા તેમજ મલ્‍ટીપર્પસ એકટીવીટી હોલમાં ફર્સ્‍ટએડ ટ્રેનીંગ, ટેકનીશીયન ટ્રેનીંગ, ડોકટર ટ્રેનીંગ જેવી સુવિધા પણ ઉભી કરવામાં આવનાર છે.

 

(11:52 am IST)